જામનગર, તા.૧૭
જામનગરના એસ.ટી. ડેપો પાસે આવેલા એક કોમ્પલેક્ષમાં મંગળવારે રાત્રે એક યુવાનની થયેલી હત્યામાં સંડોવાયેલા મનાતા શખ્સને આજે બપોરે તપાસનીશ ટૂકડીએ સંગમ બાગ પાસેથી પકડી પાડી તેનું બાઈક કબજે કર્યું છે. આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી પોલીસે પૂછપરછ કરતા છૂટી થયેલી ભાગીદારીની ચૂકવવાની થતી બાકી રકમના કારણે હત્યા થયાનું બહાર આવ્યું છે.
જામનગરના એસ.ટી. ડેપો રોડ પર આવેલા રાજાવીર કોમ્પલેક્ષમાં દુકાન નં.૮માં ઓરેન્જ ઈન્ટરનેશનલ કાર્ગો એન્ડ કુરિયર નામની ઓફિસ ચલાવતા ડેનીશભાઈ બાબુભાઈ બાવરિયા અને ઓફિસના કર્મચારી મનિષભાઈ જેઠવા મંગળવારની રાત્રે સાડા નવેક વાગ્યે પોતાના વ્યવસાયના સ્થળે હાજર હતા ત્યારે ત્યાં ધસી આવેલા હરદેવસિંહ પ્રતાપસિંહ જાડેજા નામના શખ્સે પૈસાની લેતીદેતીના મામલે બોલાચાલી કર્યા પછી છરી વડે ડેનીશભાઈ પર હુમલો કરી એક ઘા ડાબા હાથના બાવડામાં અને બીજો ઘા પેટમાં ઝીંકી દેતા આંતરડું બહાર આવી જવાના કારણે ડેનીશભાઈ ખુરશી પર જ ઢળી પડયા હતા.
ત્યાર પછી હુમલાખોર હરદેવસિંહએ ૧૦૮ને બનાવની જાણ કરી હતી અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી તેના સ્ટાફે ડેનીશભાઈને સ્થળ પર જ મૃત્યુ પામેલા જાહેર કરતા હુમલાખોર હરદેવસિંહ ઓફિસ કર્મચારી મનિષને ધમકી આપી નાસી છૂટયો હતો. પોલીસે મૃતકના પિતા બાબુભાઈ મોહનભાઈ બાવરિયાની ફરિયાદ પરથી હરદેવસિંહ પ્રતાપસિંહ જાડેજા સામે આઈપીસી ૩૦૨ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.આજે બપોરે આરોપી હરદેવસિંહ સાધના કોલોની પાસે આવેલા સંગમબાગ નજીક આવ્યો હોવાની બાતમી મળતા ત્યાં ધસી ગયેલા પોલીસ કાફલાએ હરદેવસિંહની એક બાઈક સાથે અટકાયત કરી લીધી છે. આ શખ્સના કપડા ઝબ્બે લેવામાં આવ્યા છે જ્યારે હત્યાના ગુનામાં વપરાયેલું હથિયાર કબજે કરવા તેમજ વધુ વિગતો મેળવવા પોલીસે આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.