નવી દિલ્હી,તા.૧૭
વિશ્વ કપમાં ભારતની સફર પૂરી થતાં જ વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીના સંન્યાસની અટકળો વધારે તેજ થઈ છે. પોતાની કેપ્ટનશીપ હેઠળ ૨૦૧૧નો વર્લ્ડ કપ જીતાડનારા ધોનીએ ઇંગ્લેન્ડમાં ચોથો અને અંતિમ વર્લ્ડ કપ રમ્યો હતો. જોકે, ધોની કયા સમયે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે તેના વિશે કોઈને ખબર નથી.
આ બધા વચ્ચે એક વાત નક્કી છે કે ધોની વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ દરમિયાન ટીમનો ભાગ નહીં હોય. જેના કારણે તેના સંન્યાસની ચર્ચાએ જોર પકડ્યું છે. એક અહેવાલ પ્રમાણે ધોની હાલ ક્રિકેટમાંથી સંન્યાસ નહીં લે. સંન્યાસ પહેલા તે પોતાનું અધૂરું કામ પૂરું કરશે.
ઓગસ્ટની શરૂઆતમાં શરૂ થનારા વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ દરમિયાન ધોની ત્રણ ટી-૨૦ અને ત્રણ વન ડેમાં ટીમ સાથે નહીં હોય. જોકે, ત્યાર બાદ તે ટીમ ઇન્ડિયામાં આવી રહેલા ફેરફારના અંતિમ ચરણમાં ભાગ લેશે.
તે વિકેટકિપર તરીકે પ્રથમ પસંદગી રૂપે ભારત કે વિદેશમાં ટીમની સાથે નહીં જાય. ઋષભ પંત તેની જગ્યા લેશે અને તે સેટ નહીં થાય ત્યાં સુધી તેનું પ્રદર્શન સુધારવામાં મદદ કરશે. ધોની ટીમ ઇન્ડિયામાં આવી રહેલા બદલાવમાં મદદ કરશે. તે ટીમ ઇન્ડિયાના ૧૫નો ભાગ હશે પરંતુ પ્લેઇંગ ૧૧માં ભાગ નહીં લે. જોકે, દિનેશ કાર્તિક પંતની સરખામણીમાં ખૂબ અનુભવી છે અને તે ટીમનો ભાગ બની શકે છે.