(સંવાદદાતા દ્વારા) સુરત,તા. ૪
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અને મુસ્લિમ સમાજના આગેવાન રિઝવાન ઉસ્માનીનું મુંબઈ ખાતે અંબાણી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થતાં સુરત શહેર કોંગ્રેસ અને મુસ્લિમ સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રિઝવાન ઉસ્માનીને હાર્ટએટેક આવતા સારવાર માટે મુંબઈની અંબાણી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન બ્રેઈન સ્ટોક પણ આવ્યો હતો. ત્યારબાદ રિઝવાન ઉસ્માનીનું સ્વાસ્થ્ય કથળવા લાગ્યું હતું. વેન્ટીલેટર ઉપર સારવાર દરમિયાન આજે સવારે રિઝવાન ઉસ્માનીએ છેલ્લો શ્વાસ લીધો હતો. મર્હુમના નિધનના સમાચારથી સુરત શહેર કોંગ્રેસ પક્ષ અને મુસ્લિમ સમાજમાં શોક વ્યાપી ગયો હતો. સુરત કોંગ્રેસ પક્ષમાં રિઝવાન ઉસ્માની કદાવર નેતા ગણાતા હતા. મર્હુમનો જનાઝા આવતીકાલે તેઓના નિવાસસ્થાનેથી નીકળશે. સદગતના જનાજામાં કોંગ્રેસ-ભાજપ સહિતના રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો સહિત ઉમટી પડશે અને મર્હુમ રિઝવાન ઉસ્માનીને શ્રધ્ધાંજલિ અપાશે.