વાગરા,તા.૩
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં દહેજ-ઘોઘા રો-રો ફેરીની શરૂઆત થઇ હતી. કેટલાક વિકટ સંજોગોને કારણે મુસાફરોનું વહન કરતી રોરોફેરી વચ્ચે વચ્ચે થોડા સમય માટે બંધ કરવાની ફરજ પડી હતી.હવે પુનઃ એક વાર ૧૨ ઓક્ટોબરનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ફેરીની શરૂઆત કરાવશે.અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટનો શિલાન્યાસ ગુજરાતના મુખ્યમંત્રી પડે નરેન્દ્ર મોદી બિરાજમાન હતા ત્યારે ૨૦૧૨માં કરવામાં આવ્યો હતો. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્ધારા રો-રો ફેરીનું સંચાલન કરવામાં આવી રહ્યુ છે. ભરૂચ જીલ્લાના વાગરા તાલુકા સ્થિત દહેજથી ઘોઘા સુધી શરૂ કરવામાં આવેલી રો-રો ફેરીમાં અગાઉ માત્ર ને માત્ર મુસાફરો જ જઇ શકતા હતા.પરંતુ હવેથી ફેરીને વધુ અસરકારક બનાવવા માટે વાહનો પણ લઈ જઈ શકાય તેવી અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં મીની ટ્રક, કાર અને સ્કૂટરને પણ લઈ જઈ શકાશે.ઘોઘા અને દહેજ વચ્ચે રોડ માર્ગે ટ્રક અને બસ દ્ધારા હાલ લગભગ ૧૦-૧૨ કલાક અને કાર થકી ૬-૮ કલાકનો સમય લાગે છે.રો-રો ફેરીની સેવા શરૂ થવાથી પ્રવાસ નો સમય લગભગ ૬૦ મિનિટમાં દહેજ થી ઘોઘા પહોંચી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૨ મી ઓક્ટોબરે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ધોઘાથી વાહનોનું વહન કરનાર રોરોફેરીમાં સવાર થઇ જહાજ માર્ગે દહેજ પધારનાર હોવાનું આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.