અમદાવાદ,તા.૧૭
ગત ચોમાસામાં સામાન્ય વરસાદના પહેલા રાઉન્ડમાં જ આશરે રૂ. ૪૫૦ કરોડના રસ્તા ક્ષતિગ્રસ્ત થવાથી રાજ્યભરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું રોડ કૌભાંડ ગાજ્યું હતું. તંત્રની આબરૂના લીરેલીરા ઉડતા છેક ગાંધીનગર સુધી ગંભીરતાથી નોંધ લેવાઈ હતી. હાઈકોર્ટમાં પણ આ મામલે સત્તાવાળાઓની ઉગ્ર ઝાટકણી કઢાતા વિજિલન્સ તપાસ ગોઠવાઈ હતી. વિજિલન્સ તપાસમાં કસૂરવાર ઠરેલા કોન્ટ્રાક્ટર અને ઈજનેર વિભાગના અધિકારીઓ સામે ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવા તેમજ શો કોઝ નોટિસ ફટકારવી જેવા પગલાં પણ લેવાયા હતા. તેમ છતાં આજે પણ સ્થિતિ ઠેરની ઠેર છે. શહેરના બિસ્માર રસ્તાથી ખુદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ ભારે ખફા થયા હોવાનું જાણવા મળ્યું છે. ગત તા. ૧૪ જૂને અઢી વર્ષની ત્રીજી અને છેલ્લી ટર્મ માટે શાસકપક્ષ ભાજપના નવા હોદ્દેદારો ચૂંટાઈ આવ્યા બાદ નવી ટીમ માટે શહેરની અન્ય સમસ્યાની જેમ ઉબડખાબડ રોડનો સમસ્યા પણ પડકારરૂપ બની છે. અમદાવાદીઓ બિસ્માર રસ્તાથી ભારે હાલાકીમાં મુકાઈ રહ્યા છે. કરોડો રૂપિયાના રોડ કૌભાંડ બાદ પણ કેટલાક કોન્ટ્રાક્ટ અને ઈજનેર વિભાગના કેટલાક અધિકારીઓની ‘ભ્રષ્ટ’ નીતિ રીતિ રાબેતા મુજબની રહેવા પામી છે. છેલ્લે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સ્વાભાવિકપણે સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન અમૂલ ભટ્ટ બિસ્માર રોડની હકીકતથી વાકેફ થવા માંગતા હતા. આ ચોમાસામાં નાગરિકો ‘ડિસ્કો રોડ’થી ફરીથી મુશ્કેલીમાં ન મુકાય તેવો ચેરમેન ભટ્ટનો આગ્રહ હતો, પરંતુ આઘાતનજક રીતે સ્ટેન્ડિંગ કમિટીમાં ખુદ ચેરમેનને વહીવટીતંત્ર દ્વારા ઉઠા ભણાવવાનો પ્રયાસ કરાયો હતો. જાણકાર સૂત્રો કહે છે, “આજે પણ શહેરના નવા શાસકો પાસે રોડના નવા કામોની યાદી નથી, તંત્ર દ્વારા ક્યાં વિસ્તારના કેટલા રોડ પાછળ કઈ કામગીરી હેઠળ કેટલી રકમ ખર્ચાઈ તેની માહિતી શાસકોને અપાઈ ન હોઈ ખુદ સત્તાધિશો અંધારામાં છે.