(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૬
અમરેલી નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓની મિલીભગતથી શહેરની પ્રજાના વિકાસના કામો કરવાના બદલે માત્ર કાગળ ઉપર કામો બતાવી કરોડોનો ભ્રષ્ટાચાર કરેલ હોવાની અગાઉ કલેક્ટરને લેખિત ફરિયાદ આપ્યા બાદ વધુ એક ભ્રષ્ટાચાર નગરપાલિકાએ કર્યો હોવાની આરટીઆઈ અરજીની માહિતીમાં સામે આવ્યું છે. આરટીઆઈ અને સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયા દ્વારા નગરપાલિકાની આવતી ગ્રાન્ટો અંગેની માહિતી માંગતા તેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં નગરપાલિકાએ ૧૧/૮/૨૦૧૬ના સરકાર દ્વારા યુડીપી-૮૮ યોજના અંતર્ગત શહેરના માણેકપરા અને સુખનાથપરા વિસ્તારમાં બ્લોક રોડ બનાવા માટે ૭૦,૮૮,૭૦૦ની ગ્રાન્ટ મંજૂર કરાવેલ અને તે ગ્રાન્ટ શરતોને અવગણના કરી કામોની રકમ ચૂકવી આપેલ અને ત્યારબાદ આજ રોડ ઉપર ૧૭/૧૦/૨૦૧૭ના રોજ સીસી રોડની કામગીરી માટે ૧,૯૯,૨૨,૫૭૦ની રકમ સીસી રોડના કામ બતાવી મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવ્યું હતું. સરકાર અને રાષ્ટ્રના નાણાંનો દુરૂપયોગ કરી સરકારી શરતોનું પાલન કાર્ય વિના રાજ્યની તિજોરીને નુકસાન પહોંચાડી પોતાના સ્વ. હિતાર્થે કૌભાંડ આચરી પ્રજા સાથે છેતરપિંડી કરતા આરટીઆઈ કાર્યકર સુખડિયાએ સમગ્ર કૌભાંડની તપાસ કરવા મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરતા નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓમાં ભારે ખળભળાટ મચેલ છે.

અનેક કૌભાંડોના પુરાવા સાથે ફરિયાદ પરંતુ કાર્યવાહી કેમ નહીં ?

અમરેલી, તા.૬
અમરેલી નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓની મિલીભગતથી સરકારી ગ્રાન્ટોનો પોતાના અંગત હિત માટે ઉપયોગ કરી કરોડોના ભ્રષ્ટચાર કર્યો હોવાની વારંવાર પુરાવાઓ સહિતની લેખિતમાં કલેક્ટર અને મુખ્યમંત્રીને ફરિયાદ આપી હોવા છતાં સરકારની તિજોરીને લૂંટનાર કૌભાંડિયો સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવી તે બાબતે અનેક પ્રજામાં સવાલ ઉઠી રહ્યા છે. શહેરની પ્રજા માટે વિકાસના કામો કરવાની મળતી ગ્રાંટો નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ હળીમળીને લૂંટી રહ્યા છે તેનો હિસાબ લેવા માટે કોઈ છે જ નહીં.