(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૯
ભેસ્તાન એસ.એમ.સી. આવાસ ખાતેની બિલ્ડીંગો અત્યંત જર્જરિત સ્થિતિમાં છે ત્યાંના રહીશોને જીવના જોખમે રહી રહ્યા છે જો કે, મહાનગર પાલિકા દ્વારા જર્જરિત બિલ્ડીંગોની મરમ્મત કરવા કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી. જેના વિરોધમાં જીવના જોખમે રહેતા રહીશોએ ભેસ્તાન-પ્રિયંકા ગ્રીન પાસે રોડ જામ કરી વિરોધ નોંધાવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ ભેસ્તાન ખાતે એસએમસી દ્વારા કુલ ૪૮૦ આવાસો પૈકી ૨૪૦ આવાસો જ માત્ર લોકોને ફાળવવામાં આવ્યા છે. બાકીના ૨૪૦ આવાસો રહેવા લાયક ન હોય તે આવાસો ફાળવવામાં આવ્યા નથી. આજથી ત્રણ દિવસ પહેલાં બિલ્ડિંગ નં-૮ ના ૨,૩,૪,૫ના માળ પર સ્લેબમાં ગાબડા પડ્‌યા હતાં અને સ્લેબ મટીરીયલ્સ નીચે પડ્‌યું હતું. આ બિલ્ડિંગના કોલમ-બીમ પણ ફાટી ગયા છે. ટી.પી. રર એફપી ર૩ ભેસ્તાન આવાસના માત્ર બિલ્ડિંગ નં. ૮ના ૫૦ થી ૬૦ લોકો આજે સવારે આવાસની બહાર નીકળી ભેસ્તાન પ્રિયંકાગ્રીન પાસેનો કેનાલ રોડ બંધ કરી દેતા તાત્કાલિક પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોચી રસ્તો ખોલાવી નાંખ્યો હતો. ફલેટ ધારકોની માંગણી છે કે, આ વિસ્તારનાં આવેલ કોમ્યુનિટી હોલ અથવા આવાસની બાજુમાં આવેલા સરકારી જમીનનાં ઝૂંપડાઓ અથવા તંબુ બાંધીને રહેવાની મંજૂર આપવામાં આવે.