(એજન્સી) નવી દિલ્હી, તા.૫
દલિતો અને આદિવાસીઓ દ્વારા અપાયેલા ભારત બંધની અસર મહદ અંશે દેશમાં જોવા મળી હતી. કોઇ જગ્યાએ ટ્રેનો રોકવામાં આવી હતી તો કોઇ જગ્યાએ માર્ગો પર ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. ભારત બંધની અસર મોટાભાગે બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં દેખાઇ હતી પરંતુ બિહારમાં તેની ખાસી અસર દેખાઇ હતી. બિહારમાં ટ્રેનો રોકવામાં આવી હતી અને માર્ગો પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. દેખાવકારો તરફથી ઘણા સ્થળોએ જુલૂસ પણ કાઢવામાં આવ્યા હતા.
દલિતો અને આદિવાસીઓના આ બંધને તેજસ્વી યાદવે પણ સમર્થન આપ્યું હતું. તેમણે નીતિશ કુમાર અને રામવિલાસ પાસવાન પર ટિ્‌વટર પર જોરદાર રીતે નિશાન સાધ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદિવાસીઓ અને વનવાસીઓને તેમના નિવાસથી બેદખલ કરવાના નિર્ણય પર રાહત આપ્યા છતાં આદિવાસીઓ અને અનુસૂચિત જનજાતિ સમુદાયે ભારત બંધ બોલાવ્યું હતું. આદિવાસીઓએ કહ્યું કે, આ માત્ર આંશિક રાહત છે પરંતુ વન અધિકારી નિયમ અંતર્ગત તેને કોઇપણ સમયે ફેરવી શકાય છે. આદિવાસી જૂથની માગ છે કે, કેન્દ્ર તેમના અધિકારોના સંરક્ષણ માટે વટહુકમ લાવે. આ હડતાળ ઘણા રાજ્યોમાં કરવામાં આવી હતી. બીજી તરફ બુધવારે મંડીથી લઇ જંતર મંતર સુધી દેખાવકારો જુલૂસ કાઢશે જેમાં તેમના ઘણા રાજકીય તથા સામાજિક કાર્યકરોને સામેલ થવાની અપીલ કરી છે. દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને સમર્થન આપતા કહ્યું છે કે, આપણા આદિવાસી અને દલિત ભાઇ-બહેનો સંકટમાં છે અને માર્ગો પર ઉતરવા મજબૂર બન્યા છે. પીએમ મોદીએ તેમની સામે જુઠ્ઠાણું ચલાવ્યું છે. બંધારણીય અનામતમાં છેડછાડ સામે હું સંપૂર્ણપણે તેમની સાથે છું.