(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૩
શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ મદ્રેસા મિર્ઝા હાઇસ્કૂલમાં આચાર્ય પર મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થિનીઓની છેડતી કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો જેની સામે સ્કૂલમાં જ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ આચાર્યને બચાવવા માટે રોડ ઉપર ઉતરી સ્કૂલ બહાર ઊભા રહી વિરોધ નોંધાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના રાંદેર વિસ્તારમાં આવેલી મદ્રેસા મિર્ઝા હાઈસ્કૂલમાં આચાર્ય વિરૂદ્ધ વિદ્યાર્થિનીઓની છેડતી કરતા હોવાનો આરોપ મૂક્યો હતો. જેની જાણ ધોરણ-૯ અને ૧૦ની વિદ્યાર્થિનીઓને થઈ હતી. જેથી આજ રોજ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ શાળા બહાર ચાલુ ક્લાસે આવી ગયા હતા. મેનેજમેન્ટ દ્વારા આચાર્ય પર લગાવવામાં આવેલા આરોપોની સામે વિદ્યાર્થીઓ દ્વારા આચાર્યનો બચાવ કરવામાં આવી રહ્યો છે. અને હાઈસ્કૂલ બહાર ઊભા રહી વિરોધ નોંધાવી રહ્યા છે. મહમદ રિયાઝ કાઝી (આચાર્ય) એ જણાવ્યું હતું કે, વર્ષોથી મને આવી રીતે માનસિક હેરાનગતિ કરાતી આવી છે. ૫ાંચમી ઓગસ્ટના રોજ શિક્ષકો અને હોદ્દેદારોની થયેલી મિટિંગમાં મારી ઉપર શાળા સંચાલકના સભ્યએ વિદ્યાર્થિનીઓના માથે હાથ ફેરવી, વાળ લાંબા છે તેવી ટિપ્પણી સાથે છેડતીનો આરોપ મૂક્યો હતો. ત્યારબાદ મને મારવા ઊભા થયા હતા અને ટેબલ પણ તોડી નાખ્યા હતા. જોકે, આ બાબતે મેં મારી શાળાની ધોરણ ૯-૧૦ની તમામ વિદ્યાર્થિનીઓને પૂછ્યું તો તેઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. વાલીઓ અને વિદ્યાર્થિનીઓએ ભેગા મળી મેનેજમેન્ટમાં રજૂઆત પણ કરી હતી. પરંતુ નાપાસ કરવાના ડર બતાવી મેનેજમેન્ટેએ વાલીઓ અને વિદ્યાર્થિનીઓને ભગાડી મૂક્યા હતા. હું આ બાબતે આજે કોર્ટમાં મેનેજમેન્ટ પર માનહાનીનો દાવો કરીશ અને ન્યાય માટે આચાર્ય સંઘને રજુઆત પણ કરીશ. જો કોઈ પણ વિદ્યાર્થિની આગળ આવી મારી ઉપર આવા આક્ષેપ કરશે તો મને મોતની સજા પણ મંજૂર છે.