(એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
રાફેલ સોદા અંગે કોંગ્રેસ અને ભાજપની વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે. કોંગ્રેસ ભાજપ પર રાફેલની ખરીદીમાં કૌભાંડ આચર્યું હોવાનો આરોપ મૂકી રહી છે. તો બીજી તરફ ભાજપ કહે છે કે આ સોદો યોગ્ય હતો. અને કોંગ્રેસ તેને વિના કારણે મુદ્દો બનાવી રહી છે. એક દિવસ પહેલાં જ ભાજપે રાફેલ મુદ્દે કોંગ્રેસ પર નિશાન તાકતા કહ્યું હતું કે રાહુલ ગાંધી પોતાના જીજાજી રોબર્ટ વાડ્રાને ફાયદો પહોંચાડવાના પ્રયત્નો કરી રહ્યા છે.
બીજી તરફ રાફેલ મુદ્દે ભાજપના આરોપો પર રોબર્ટ વાડ્રાએ વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે ભાજપ તેમનું નામ હંમેશા લેતું રહે છે. જ્યારે પણ તેઓ કોઈપણ કેસમાં ફસાતા જોવા મળે છે તો તેઓ તેમનું નામ લે છે. રોબર્ટ વાડ્રાએ ભાજપા પર પ્રહાર કરતા કહ્યું કે ભલે એ રૂપિયામાં ઘટાડાની વાત હોય કે પછી તેલની વધતી કિંમતો કે પછી રાફેલનો મુદ્દો. રાફેલ મુદ્દે ભાજપની હકીકત દેશની સમક્ષ આવી ચૂકી છે.
વાડ્રાએ કહ્યું કે વર્તમાન સરકાર અને ભાજપથી વધુ સારી રીતે કોણ જાણે છે કે તેઓ ગત ચાર વર્ષોથી મારી વિરૂદ્ધ કેવા પ્રકારના પાયાવિહોણા રાજકીય આરોપો મૂક્તા રહ્યા છે. રાફેલ મુદ્દે ભાજપે પ્રહાર કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ સોદાને પૂરો કરાવીને પોતાના જીજાજી રોબર્ટ વાડ્રા સાથે સંબંધિત એક ફર્મની મદદ કરવા ઈચ્છે છે.