(એજન્સી) હૈદરાબાદ, તા.ર૧
હૈદરાબાદમાં ૧ર વર્ષના એક અદ્દભૂત બાળકે તેના ઈજનેરીના વિદ્યાર્થીઓને ભણાવવામાં તેની મદદ કરવા તેમજ ઘરના કામકાજમાં વડીલોને મદદ કરવા માટે એક રોબોટ બનાવ્યો છે. આ ૧ર વર્ષીય બાળક મુહમ્મદ હસનઅલી પોતે આઠમાં ધોરણમાં અભ્યાસ કરે છે અને સાથે જ તે સિવિલ, મિકેનિકલ અને ઈલેકટ્રીકમ એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓને પણ ભણાવે છે. અલીએ શુક્રવારે એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, હું ઈજનેરોને ડિઝાઈનિંગ અને ડ્રાફિટંગ વિશે જ્યારે ઈલેકટ્રોનિક એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓને એમ્બેડડેડ સિસ્ટમ, ઈન્ટરનેટ ઓફ થિંજીસ (આઈઓટી) અને રોબોટિક્સ ભણાવું છું. મેં ૧૦૦થી વધુ પ્રોજેક્ટ્‌સ પર કામ કર્યું છે અને તેમાંના એક પ્રોજેક્ટ પર કામ કરતી વખતે મને સર્વિંગ રોબોટ (સેવા કરતો રોબોટ) બનાવવાનો ખ્યાલ આવ્યો. ઉલ્લેખનીય છે કે, રોબોટને બનાવવામાં આ બાળ પ્રતિભાને માત્ર ૧પ જ દિવસનો સમય લાગ્યો છે કે જેેન વોઈસ (અવાજ) કમાન્ડ, વાક્યને અનુસારવાનો તથા ઓટોમેટિક કામ કરવાનો કમાન્ડ આપી શકાય છે. અલીએ કહ્યું કે, મેં આ પ્રોજેક્ટ લોકો માટે બનાવ્યો છે અને આપણે તેનો ઉપયોગ રેસ્ટોરન્ટ અને હોટલ્સ તેમજ આવી ઘણી પેઢીઓ પર કરી શકીએ છીએ. આ રોબોટ વડીલોને તેમના ઘરના કામ કરવામાં પણ મદદ કરી શકે છે, તેમને જમવાનું પીરસી શકે છે. આ પ્રોજેક્ટ એ બી.ટેક. અને એમ.ટેક.ના વિદ્યાર્થીઓને ભણાવવાના મારા કાર્યનો એક ભાગ છે. અંતમાં પ્રતિભાશાળી બાળકે કહ્યું કે, પોતાના દેશ માટે તે કંઈક કરે તે તેનો હેતુ છે.