અમદાવાદ, તા.રપ
અમદાવાદમાં ભરઉનાળામાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું હતું. ત્યાં વરસાદ પડતા જ પાણીજન્ય રોગચાળો વધારે વકરતા સરકારી અમદાવાદ મ્યુનિ. કોર્પો. સંચાલિત હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે. ચાલુ માસના રપ દિવસના જ ગાળામાં ઝાડા-ઉલ્ટીના ૧ હજારથી વધુ, કમળાના પ૦૦ જેટલા અને ટાઈફોઈડના ૪૦૦ જેટલા કેસ નોંધાયા છે. મ્યુનિ. દ્વારા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાને કાબુમાં લેવા વિવિધ પગલા લેવામાં આવ્યા હોવાના દાવા છતાં નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો જૂન મહિનામાં જ ઝાડા ઉલ્ટીના ૧૦૦૦થી વધુ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના પ૦૦ જેટલા અને ટાઇફોઇડના ૪૪૦ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના ૨પ દિવસના ગાળામાં ૩૪૦ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં જૂન મહિનામાં સાદા મેલેરિયાના ૧૦૪૬ કેસ નોંધાયા હતા. જૂન ૨૦૧૭ દરમિયાન લીધેલા ૭૦૬૫૭ લોહીના નમૂના સામે ૨૩ જૂન ૨૦૧૮ સુધીમાં ૫૫૨૯૯ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે. જૂન ૨૦૧૭ દરમિયાન લેવામાં આવેલા ૧૭૩૦ સીરમ સેમ્પલ સામે ૨૩મી જૂન ૨૦૧૮ સુધીમાં ૧૩૧૧ સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાના અટકાયતના ભાગરુપે પાણીના મુખ્ય સ્ત્રોત અને ઘરમાંથી ચાલુ માસ દરમિયાન ૨૮૪૫૭ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં હાઈરિસ્ક વિસ્તારો અને કેસો નોંધાયા હોય તેવા વિસ્તારમાંથી ચાલુ માસમાં ૨૮૦૭ પાણીના સેમ્પલ બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટ માટે લેવામાં આવ્યા છે. ચાલુ માસમાં ૬૭૬૫૬૦ ક્લોરીન ગોળીનું વિતરણ કરવામાં આવ્યું છે. મોબાઈલ મેડિકલ વાન મુકીને સ્થળ ઉપર સારવાર આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
શહેરમાં વરસાદના આગમન સાથે જ પાણીજન્ય રોગના કેસોમાં વધારો

Recent Comments