(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા. ૬
અમરેલીના ભીડભંજન ચોકમાં ખાણીપીણીની દુકાનદારો દ્વારા વાસી અને ખુલ્લો ખોરાક ગ્રાહકોને ખવડાવી દેતા હોવાનું ફરિયાદ ઉઠવા પામી છે. અહીં આવેલ દુકાનદારો દ્વારા આગલા દિવસની વસ્તુઓ ગરમ કરી ગ્રાહકોને ખવડાવે છે. જેના કારણે ગ્રાહકોને ઝાડા ઉલ્ટી સહિત અનેક બીમારીઓ સહન કરવાનો વારો આવે છે. તેમજ આવી દુકાનોમાં કામ કરતા માણસો પણ ખુલ્લા હાથે ગ્લોવઝ પેહર્યા વગર ગ્રાહકોને વસ્તુઓ પીરશે છે. જેથી તેના હાથમાં ચોંટેલા કીટાણુઓ આ વાસી વસ્તુઓમાં પ્રવેશી જતા હોઈ જેથી ગ્રાહકોને ગંભીર બીમારીઓમાં સપડાઈ જવાની દહેશત પણ વર્તાઈ રહી છે. આવા દુકાનદારો સામે આરોગ્ય વિભાગ અને ખાદ્ય ઔષધીય નિયમન તંત્ર પગલાં લેશે કે કેમ તેવો સવાલ લોકોમાં ઉઠવા પામેલ છે.
અમરેલીના ભીડભંજન ચોકમાં સેવખમણી, ઢોકળા, ખમણ, વડાપાઉં, સમોસા, પાત્રા ખાંડવી, સેન્ડવીચ, ભેળ, ભજીયા સહિતની ખાણીપીણીની દુકાનો ધમધમી છે અને ખાણીપીણીની દુકાન ચલાવતા દુકાનદારો દ્વારા સફાઈ રાખવામાં આવતી નથી. આગલા દિવસનો ખુલ્લો ખોરાક બીજા દિવસે ગરમ કરીને ગ્રાહકોને ખવડાવી દેવામાં આવે છે. જેના કારણે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં આવા લાલચુ દુકાનદારો દ્વારા કરવામાં આવી રહ્યા છે, આવી દુકાનમાં ખાણીપીણીની વસ્તુઓ કોઈપણ વસ્તુ ઢાંક્યા વગર ઉંઘાડી જ રાખવામાં આવે છે. તેના ઉપર માખી મચ્છર સહિતની જીવાત ખોરાક ઉપર બેસે છે. જેના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવે છે અને અજાણ ગ્રાહકો ગંભીર બીમારીના ભોગ બને છે.
અમરેલીમાં હાલમાં ઠેર-ઠેર ભૂગર્ભ ગટરના કામોને લીધે ગારો કીચડ અને ગંદકી થવા પામી છે અને ઠેર-ઠેર ઉકરડા અને સાફ કરેલ ગટરના કીચડ કાદવનાના કારણે શહેરમાં માખી મચ્છર સહિતની જીવતો ઉત્પન્ન થવા પામી છે. ત્યારે આવી માખી મચ્છરો અને જીવતો સીધી જ ખુલી વસ્તુઓ ઉપર જઈને બેસતા તેના ઈંડા અને કીટાણુઓ મૂકી જાય છે અને તે વસ્તુઓ ગ્રાહકોને ખવડાવી દેવામાં આવે છે, આવા દુકાનદારો સામે નગરપાલિકાનું આરોગ્ય વિભાગ તેમજ ખાદ્ય ઔષધીય નિયમન વિભાગ કાર્યવાહી કરશે ખરા તેવો સવાલ અમરેલીના જાગૃત નાગરિકો દ્વારા ઉઠવા પામ્યો છે.