(એજન્સી) તા.૧૭
રોહિંગ્યા મુસ્લિમોની મ્યાનમારમાં કથળતી જતી સ્થિતિ અંગે ઇરાન અને તુર્કીએ જે રીતે વિરોધ વ્યક્ત કર્યો છે તેનાથી સાબિત થાય છે કે તમામ મુસ્લિમ ભાઇઓ એક થઇ રહ્યાં છે અને એકબીજાને ટેકો આપવા સંમત છે. દરમિયાન રોહિંગ્યા મુસ્લિમોની કટોકટીનો અંત લાવવાના ઉદ્દેશ્યો સાથે ઇરાને હવે મ્યાનમારની સરકાર સાથે ચર્ચા કરવા માટે મ્યાનમારમાં તેમનું પ્રતિનિધિમંડળ મોકલવાની માગણી કરી છે. ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા બહરામ કાસેમીએ બુધવારે જણાવ્યું હતું કે અમારી માગ છે કે અમારા પ્રતિનિધિમંડળને મ્યાનમારની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવે જેથી રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓની સમસ્યાનો વહેલા તે પહેલાના ધોરણે ઉકેલ લાવી શકાય. તેમણે કહ્યું કે આ મામલે થાઇલેન્ડમાં ઇરાનના રાજદૂતે મ્યાનમારના અધિકારીઓ સાથે રોહિંગ્યા શરણાર્થીઓની સમસ્યા વિશે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે ઇરાનના અધિકારીઓનું પ્રતિનિધિમંડળ એશિયા અને પેસિફિક બાબતોના ઉપવિદેશમંત્રી એબ્રાહીમ રહીમપોર બાંગ્લાદેશની મુલાકાતે જવાના છે અને આ પ્રતિનિધિમંડળ બાંગ્લાદેશમાં રોહિંગ્યા શરણાર્થીઓની સ્થિતિનું આકલન કરશે. કાસેમીએ જણાવ્યું કે થાઇલેન્ડમાં ઇરાનના રાજદૂતે નેયાપિયાડો ખાતે તેમના સમકક્ષ સાથે બેઠક યોજી હતી અને દેશની સ્થિતિ વિશે આકલન કર્યું હતું. આ બંને ટોચના નેતાઓ વચ્ચે રોહિંગ્યા શરણાર્થીઓ મામલે પણ ચર્ચા થઈ હતી. ઇરાનના રાજદ્વારીએ તાત્કાલિક ધોરણે રોહિંગ્યા કટોકટીનો અંત લાવવાની માગણી કરી છે. ઇરાનના રાજદ્વારીએ આ મુલાકાતમાં મ્યાનમારના અધિકારીઓને સ્પષ્ટ જણાવી દીધું હતું કે મુસ્લિમો વિરૂદ્ધ હિંસા આચરવાથી તેમને ક્યારેય કોઇ ફાયદો નહીં થાય અને ભવિષ્યમાં તેમની સામે એક મોટો પડકાર ઊભો થશે. આ બેઠકમાં ઇરાનના અધિકારીએ મ્યાનમારના અધિકારીઓને વિનંતી કરી હતી કે રોહિંગ્યા મુસ્લિમોની સમસ્યાનો ઉકેલ લાવો અને તેમના માટે યોગ્ય વ્યવસ્થા કરો. તેમણે કહ્યું કે રોહિંગ્યા મુસ્લિમોના અધિકારો અને તેમને ફરી પગભર બનાવવા માટે ઇરાન પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દેશે. તેમણે કહ્યું કે અમે રાજકીય વાટાઘાટો કરવા પણ તૈયાર છે.