(એજન્સી) ઢાકા, તા.૧૪
બૌદ્ધ બહુમત ધરાવતા દેશ મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારને કારણે હાલ તેઓ બાંગ્લાદેશની શરણે છે. ભારત દ્વારા આ શરણાર્થીઓ માટે પ૩ ટન રાહતસામગ્રી બાંગ્લાદેશ મોકલવામાં આવી છે. રોહિંગ્યા શરણાર્થીઓના મોટા પ્રમાણમાં પ્રવેશ અંગે ઢાકા દ્વારા નવી દિલ્હીમાં રિપોર્ટ રજૂ કરાયા બાદ ભારત તરફથી રાહત સામગ્રીનો સૌ પ્રથમ જથ્થો રવાના કરાયો છે. નવી દિલ્હીમાં બાંગ્લાદેશના હાઈ કમિશનર સૈયદ મુઅઝિ્‌ઝમ અલી દ્વારા વિદેશ સચિવ એસ.જયશંકર સાથે ગત અઠવાડિયે આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલય દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. બાંગ્લાદેશમાં મોટી સંખ્યામાં શરણાર્થીઓના પ્રવેશને કારણે જે માનવીય સંકટ ઊભું થયું છે તેને નિવારવા ભારત સરકારે સહાયતા કરવાનો નિર્ણય લીધો છે. રાહત સામગ્રીમાં ચોખા, કઠોળ, ખાંડ, નમક, ખાદ્ય તેલ, ચા, બિસ્કીટ, ઈન્સ્ટન્ટ નૂડલ્સ, મચ્છરથી સુરક્ષા આપતી જાળી વગેરે જેવી આવશ્યક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત દ્વારા ૭,૦૦૦ ટન રાહત સામગ્રી બાંગ્લાદેશને પહોંચાડવામાં આવશે. બાંગ્લાદેશના ચિત્તોગોંગમાં બાંગ્લાદેશી રોડ પરિવહન મંત્રી અબ્દુલ કાદરે ભારતીય હાઈકમિશનર હર્ષ વર્ધન શ્રિંગલા પાસેથી આ સામગ્રી મેળવી હતી. મ્યાનમારના રોહિંગ્યા મુસ્લિમોના બાંગ્લાદેશમાં ધસારા બાદ બાંગ્લાદેશ દ્વારા આંતરરાષ્ટ્રીય સમુદાયને આ બાબતે હસ્તક્ષેપ કરી મ્યાનમાર પર દબાણ કરવા આહ્વાન કરાયું હતું. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર રાખિનેમાં રોહિંગ્યા મુસ્લિમો વિરૂદ્ધ ભડકેલી હિંસાને પરિણામે રપ ઓગસ્ટથી ૩,૭૯,૦૦૦થી વધુ રોહિંગ્યા મુસ્લિમોએ બાંગ્લાદેશની શરણ લીધી છે. બાંગ્લાદેશ આ પહેલાંથી આશરે ૪,૦૦,૦૦૦ રોહિંગ્યા શરણાર્થીઓને આશ્રય આપી રહ્યું છે. જેમણે ભૂતકાળમાં કોમી હિંસા અને સૈન્ય પગલાંને કારણે મ્યાનમાર છોડ્યું હતું.