(એજન્સી) તા.૮
મ્યાનમારના રખાઇન વિસ્તારમાં જે રીતે રોહિંગ્યા મુસ્લિમો પર આકરૂ દમન ગુજારવામાં આવી રહ્યું છે ત્યારે સમગ્ર મુસ્લિમ દેશો મ્યાનમારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી રહ્યાં છે અને તુર્કી જેવા આઇઓસીના અધ્યક્ષ ધરાવતા રાષ્ટ્રપતિ એર્દોગાને પણ યુદ્ધની ચીમકી આપી હતી ત્યારે ઇઝરાયેલ જેવો ઇસ્લામ ધર્મ પ્રત્યે કટ્ટર નફરત ધરાવતો દેશ મુસ્લિમોની મદદ તો નહીં પરંતુ તેમના વિરોધીઓની મદદ કરી રહ્યો છે. તાજેતરમાં એક રિપોર્ટ અનુસાર ખુલાસો થયો છે કે ઇઝરાયેલ મ્યાનમારની સેનાને હથિયાર પૂરા પાડી રહ્યો છે અને આ કારણસર જ મુસ્લિમો સામે દમન ગુજારવામાં મ્યાનમારની સેના પાછળ નથી પડી રહી. રિપોર્ટમાં જણાવાયું છે કે ઇઝરાયેલે મ્યાનમારની સેનાને ૧૦૦ ટેન્ક અને બોટ સહિત અન્ય હથિયારો વેચ્યા છે. તમને જણાવી દઇએ કે આ રિપોર્ટમાં જણાવાયું છે કે ઇઝરાયેલની હથિયાર વેચતી કંપની જેવી ટીએઆર આઇડિયલ કોન્સેપ્ટ મ્યાનમારની સ્પેશિયલ ફોર્સને આ હથિયારોના ઉપયોગ કરવા અંગે સ્પેશિયલ ટ્રેનિંગ પણ આપી રહી છે. આ કંપનીના અધિકારીઓ અને ટ્રેનરો હાલમાં મ્યાનમારમાં હાજર છે અને તાજેતરમાં જ મ્યાનમારમાં મુસ્લિમ વિરોધી હિંસાઓ ભડકેલી છે. કંપનીની વેબસાઇટ ઉપર એવા ફોટાઓ પણ અપલોડ કરવામાં આવ્યા છે જેમાં કંપનીના અધિકારીઓ અને ઇઝરાયેલી ટ્રેનરો મ્યાનમારની સેનાને દિશાનિર્દેશો અને હથિયારોના ઉપયોગ અંગે ટ્રેનિંગ આપતા દેખાઇ રહ્યાં છે. જોકે ઇઝરાયેલની હાઇકોર્ટમાં આ અંગે અરજી પણ કરવામાં આવી છે. એક કાર્યકર્તાએ અરજી કરીને અપીલ કરી છે કે ઇઝરાયેલે મ્યાનમારને હથિયાર વેચવાનું બંધ કરવું જોઇએ. ઇઝરાયેલના હ્યુમન રાઇટ્‌સ વકીલ એટી મેક આ પિટિશનનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે ઇઝરાયેલ જે રીતે મ્યાનમારને જે હથિયારો વેચી રહ્યું છે તેનો ત્યાં કેવો ઉપયોગ કરાશે તેના પર ઇઝરાયેલનું નિયંત્રણ નથી. જોકે આપણે ટીએઆર કંપની વિશે જાણીએ છીએ અને તેના અધિકારીઓ તથા ટ્રેનરો હાલમાં મ્યાનમારમાં હાજર છે. આ પિટિશન જાન્યુઆરીમાં દાખલ કરાઇ હતી જ્યારે ઇઝરાયેલના પ્રતિનિધિઓ મ્યાનમારમાં ગયા હતા અને હથિયારો વેચવા અંગે ડીલ કરીને આવ્યા હતા. જોકે આ મામલે પ્રતિક્રિયા આપતા ઇઝરાયેલી મિલિટ્રીએ કહ્યું હતું કે આ મામલે ઇઝરાયેલી કોર્ટ દરમિયાનગીરી કરી શકે તેમ નથી. મ્યાનમારને અમે જે રીતે હથિયાર વેચ્યા છે તે સ્પષ્ટ રીતે ડિપ્લોમેટિક છે. વર્ષોથી ઇઝરાયેલ અને મ્યાનમાર વચ્ચે સંબંધો છે અને વસ્તુઓની આપ-લે થતી રહે છે. ર૦૧પમાં સપ્ટેમ્બરમાં મ્યાનમાર સેનાના વડા જનરલ મિન ઓંગ હલેંગએ ઇઝરાયેલની મુલાકાત કરી હતી અને તે સમયે સેના માટે હથિયારો ખરીદવા કરારો કર્યા હતા. તેમના પ્રતિનિધિઓએ રાષ્ટ્રપતિ રેવેન રિવલિન સાથે પણ મુલાકાત કરી હતી. ર૦૧પમાં ઉનાળામાં માઈકલ બેન બ્રુશ ઇઝરાયેલી સૈન્ય બાબતોના વડાએ મ્યાનમારની મુલાકાત કરી હતી અને તે સમયે તેમણે મ્યાનમારને સુપર દાવોરા પેટ્રોલ બોટ વેચવા માટે કરાર કર્યો હતો. ઇન્ટરનેશનલ સ્ટેટ ક્રાઇમ ઇનિશિએટીવ એટ ક્વિન મેરી યુનિવર્સિટીના ડિરેક્ટર પેની ગ્રીને કહ્યુ હતું કે હાલમાં વિશ્વની મોટાભાગની સરકારો મ્યાનમારમાં થઇ રહેલા નરસંહારનો વિરોધ કરી રહી છે. જોકે ઇઝરાયેલ તેને હથિયારો પૂરા પાડી રહ્યું છે તેમાં કોઇ નવાઇની વાત નથી. ઇઝરાયેલી હથિયારોની ટીકા કરતાં તેમણે કહ્યું કે ઇઝરાયેલ જે રીતે પેલેસ્ટીન અને અન્ય ગાઝા, વેસ્ટ બેન્ક વગેરેમાં દમન કરે છે તે દુનિયા જાણે છે. લોકોને પુરાવા આપવાની જરુર નથી. ઇઝરાયેલના હ્યુમન રાઇટ્‌સ એક્ટિવિસ્ટે ઓફેર નેઇમેને કહ્યું કે ઇઝરાયેલ વર્ષોથી મ્યાનમારને હથિયારોની સપ્લાય કરે છે. આ નીતિ પેલેસ્ટીન વિરોધી અને મુસ્લિમ વિરોધી નીતિને ટેકો આપે છે. તમને જણાવી દઇએ કે તાજેતરમાં મ્યાનમારમાં ભડકેલી હિંસામાં લગભગ ૪૦૦ રોહિંગ્યા મુસ્લિમોનાં મોત થયા છે જ્યારે દોઢ લાખ જેટલા રોહિંગ્યા બાંગ્લાદેશ પલાયન કરી ચુક્યા છે. યુએનના મહાસચિવે પણ આ મામલે ગાઢ ચિંતા વ્યક્ત કરી હતી.