(એજન્સી) નવી દિલ્હી, તા.૧
રોહિંગ્યા મુસ્લિમોને મ્યાનમાર પાછા મોકલવાના સરકારના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમકોર્ટમાં દાખલ કરાઈ છે. અરજીને વિવિધ કારણોસર પડકારાઈ છે જેમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંધિઓનું ઉલ્લંઘન પણ દર્શાવાયું છે.
પ્રશાંત ભૂષણ દ્વારા રજૂઆતો કરાયા પછી સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવા તૈયારી દર્શાવી હતી.
અરજી બે રોહિંગ્યા શરણાર્થીઓ દ્વારા દાખલ કરાઈ છે. એમાં એમણે જણાવ્યું છે કે મ્યાનમારમાં અમારા જીવને જોખમ છે અને અમે રક્ષણ મેળવવા શરણ લીધી છે.
૧૮મી ઓગસ્ટે માનવ અધિકાર પંચે સરકારને એના નિર્ણય બદલ નોટિસ મોકલવાની હતી. સરકારે ભારતના વિવિધ વિસ્તારોમાં રહી રહેલ રોહિંગ્યાઓને પાછા મોકલવા તજવીજ હાથ ધરી છે. રોહિંગ્યા મુસ્લિમો મ્યાનમારના રાખિને રાજ્યમાંથી અવેલ છે. એમની સામે કરાતી હિંસાઓથી રક્ષણ મેળવવા એ ભારતમાં શરણ લઈ રહ્યા છે. રોહિંગ્યાઓ મુખ્યત્વે જમ્મુ, હૈદરાબાદ, હરિયાણા, ઉ.પ્રદેશ દિલ્હી અને રાજસ્થાનમાં વસવાટ કરી રહ્યા છે.
કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ સંસદમાં ૯મી ઓગસ્ટે જણાવ્યું હતું કે મળતી માહિતી મુજબ ૧૪ હજાર રોહિંગ્યાઓ યુએનએચસીઆરમાં નોંધાયેલા છે જે ભારતમાં રહી રહ્યા છે. એ ઉપરાંત અન્ય ૪૦ હજાર ગેરકાયદેસર રીતે ભારતમાં રહી રહ્યા છે. ગૃહમંત્રાલયે બધા રાજ્યોને પત્ર લખી જણાવ્યું છે કે સુરક્ષાને ધ્યાનમાં લઈ રોહિંગ્યાઓને ઓળખી કાઢવામાં આવે અને એમને મ્યાનમાર પાછા મોકલવામાં આવે. ત્રાસવાદી સંગઠનો આ શરણાર્થીઓનો દુરૂપયોગ કરે એની પૂરી સંભાવના છે. આ પ્રકારના પુરાવાઓ અન્ય દેશોમાંથી પણ મળ્યા છે જેમાં શરણાર્થીઓને ત્રાસવાદી સંગઠનોએ પોતાની સાથે જોડ્યું હતું. મોદી સરકાર આ મામલે પણ બેવડા ધોરણ અપવાની રહી છે. શરણાર્થીઓને મુદ્દે ર૦૧પમાં સરકારે બે લાખ શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવા નિર્ણય કર્યો હતોે મોદી સરકારે પાકિસ્તાનથી આવેલ ૪૩૦૦ હિન્દુઓને નાગરિકતા આપી હતી.
ગૃહમંત્રી રાજનાથ સિંગે જણાવ્યું હતું કે હિન્દુઓ માટે ભારત એમનો કુદરતી દેશ છે. જેથી હિન્દુ શરણાર્થીઓનું સ્વાગત કરીશું.