(એજન્સી) રંગૂન,તા.૨૮
મ્યાનમારમાં બળવાખોર સમૂહ આરાકાન રોહિંગ્યા સાલ્વેશન આર્મીએ રખિન પ્રદેશમાં આવેલી પોલીસ ચોકીઓ પર વહેલી સવારે હુમલો કર્યા હતો જેમાં ૮૦ રોહિંગ્યા મુસ્લિમો સહિત ૧૦૦ જેટલા લોકો મોતને ભેટ્યા હતા. ત્યારબાદ બાંગ્લાદેશની સરહદ પાર કરવા જઇ રહેલા નિશસ્ત્ર રોહિંગ્યાઓ પર મ્યાનમારના લશ્કરે ગોળીબાર કર્યો હતો. રખિનેના રહેવાસીઓ અને કાર્યકર્તાઓએ મ્યાનમારની સેના પર ગોળીબાર કરવાનો અને આગચંપી તથા બાંગ્લાદેશની સરહદ પાર કરવાનો પ્રયાસ કરવા જઇ રહેલા રોહિંગ્યા પુરુષો, મહિલાઓ અને બાળકો ઉપર પણ ગોેળીબાર કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે નિર્દોષ બાળકોને પણ બક્ષ્યા ન હતા જેવા આરોપો લગાવ્યા હતા. મ્યાનમારમાં જારી હિંસા પછી હજારો લોકોએ પોતાના ઘર છોડી દીધા હતા. અનેક લોકો પોતાનો જીવ બચાવીને ભારત-બાંગલાદેશની સરહદ તરફ હિજરત કરી રહ્યા છે. બાંગ્લાદેશે અનેક લોકોને પરત મોકલી દીધા. મ્યાનમારની નેતા આંગ સાન સુ કીએ રોહિંગ્યા લડાકુઓ પર સંકટગ્રસ્ત રાખિન પ્રાંતમાં તાજેતરની હિંસા દરમિયાન ઘરોને આગ લગાવવા અને બાળ સૈનિકોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. ઉગ્રવાદીઓએ આ આરોપોને નકારી કાઢ્યા હતા. ઉગ્રવાદીઓએ હુમલો કરતાં રાખિન રાજ્યમાં શુક્રવારથી એક વાર ફરી હિંસા ભડકી ઉઠી છે. રાખિનમાં આશરે દસ લાખથી વધુ રોહિંગ્યા મુસલમાન રહે છે. અનેક અહેવાલોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે તેમના પર મુકવામાં આવેલા પ્રતિબંધોના કારણે આ સમુદાય કટ્ટરતા તરફ આગળ વધી રહ્યો છે. હિંસામાં ૮૦ ઉગ્રવાદીઓ સહિત ૧૦૦થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને હજારો રોહિંગ્યા નાગરિકોએ સમાપવર્તી બાંગલાદેશ તરફથી હિજરત કરી છે. કેટલાક સ્થાનિક બૌદ્ધો અને હિંદુઓએ અન્ય શહેરો અને મઠોમાં શરણ લીધું છે. ભડકેલી હિંસા માટે બંને પક્ષ એકબીજાને જવાબદાર ઠેરવે છે. આરોપોની પુષ્ટિ કરવી મુશ્કેલ કરવી મુશ્કેલ છે કારણ કે હિંસા અનેક ગામોમાં થઇ રહી છે જ્યાં પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે. સોમવારે સૂ કીના કાર્યાલયે નિવેદન આપતા કહ્યું હતું કે આતંકીઓ બાળકોને આગળ કરીને સુરક્ષા દળો સામે લડી રહ્યાં છે તથા લઘુમતી ધરાવતા ગામોમાં આગ લગાવી રહ્યાં છે. લડાઈ પાછળ હાજર ઉગ્રવાદી સમૂહ અરાકાન રોહિંગ્યા સાલ્વેશન આર્મી (એઆરએસએ)એ વળતો પ્રહાર કરતાં પોતાના ટ્‌વીટર એકાઉન્ટના માધ્યમ દ્વારા આરોપ લગાવ્યો, રોહિંગ્યા ગામો પર દરોડા પાડવા દરમિયાન બર્માના ક્રૂર સૈનિકોની સાથે રાખિન ચરમપંથીઓએ રોહિંગ્યા ગામો પર હુમલો કર્યો, રોહિંગ્યાઓની સંપત્તિ લૂંટી લીધી અને તેમના ઘરો ફૂંકી માર્યા.