કોલકાતા, તા. ૧૩
મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો પર થઇ રહેલા નૃશંસ અત્યાચાર વિરૂદ્ધ મુસ્લિમ સંગઠનોએ વિશાળ ઉગ્ર પ્રદર્શનો કર્યા હતા. પ્રદર્શનો દરમિયાન મ્યાનમારની સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ કીનું પૂતળું બાળવામાં આવ્યું હતું. આ પ્રદર્શનોમાં પશ્ચિમ બંગાળના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અધિર રંજન ચૌધરી અને માકપા નેતા સુજાન ચક્રવર્તીએ પણ ભાગ લીધો હતો. પ્રદર્શનો દરમિયાન શહેરમાં ટ્રાફિક આશરે અડધો કલાક સુધી જામ રહ્યો હતો.
આ દરમિયાન પીરઝાદા તોહા સિદ્દીકીએ જણાવ્યું હતું કે, મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો પર થઇ રહેલા જધન્ય અત્યાચાર અંગે અમે ચિંતિત છીએ. મ્યાનમારમાં પોલીસ અને સેના બાળકો સહિત હજારો મુસ્લિમોની કત્લેઆમ ચલાવી રહી છે. મ્યાનમારમાં સરકારે ચોક્કસપણે આ અંગેની જવાબદારી લેવી જોઇએ. ઓલ ઇન્ડિયા માઇનોરિટી સ્ટૂડન્ટ્‌સ ફેડરેશનના મોહંમદ નુરૂદ્દીને જણાવ્યું હતું કે, અમે લોકો કેન્દ્ર સરકારના નિર્ણય (દેશમાં ગેરકાયદે રીતે રહેતા રોહિંગ્યાઓને કાઢી મુકવા)ની નિંદા કરી રહ્યા છીએ અને તરત નિવેદન પરત લેવાની માગ કરી રહ્યા છીએ. પ્રદર્શનોનું આયોજન કરનારા મુસ્લિમ સંગઠનોનું ૧૦ સભ્યોનું એક પ્રતિનિધિ મંડળ બાદમાં મ્યાનમાર વાણિજ્ય દૂતાવાસ ગયું હતું અને આવેદન સોંપી તેમની સરકાર સમક્ષ રોહિંગ્યા મુસ્લિમોની સુરક્ષાની માગ કરી હતી. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પ્રમુખ ઝૈદ અલ હુસૈને રોહિંગ્યા મુસ્લિમ સમુદાયના લોકોને પરત મોકલવાના ભારતના પ્રયાસની આકરી નિંદા કરી હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મ્યાનમારના રાખેન પ્રાંતમાં ફેલાયેલી હિંસા બાદ અત્યારસુધી કુલ આશરે ૩,૧૩,૦૦૦ રોહિંગ્યા મુસ્લિમો સરહદ પાર બાંગ્લાદેશમાં પલાયન થઇ ચુક્યા છે.