(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની આ અઠવાડિયે યોજાનારી બેઠકમાં મ્યાનમારના નેતા આંગ સાન સૂ કી નહીં લે તેમ તેમના પ્રવક્તાએ આજે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નોબેલ પ્રાઇઝ વિજેતાની મોટી સંખ્યામાં રખીને રાજ્યમાંથી રોહિંગ્યા મુસ્લિમોના પલાયન મામલે કાંઇ નહીં કહેવામાં નિષ્ફળ જવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ભારે ટીકાઓ થઇ રહી છે. રોહિંગ્યાઓને આતંકવાદી ગણાવી સેના દ્વારા તેમના પર અમાનવીય અત્યાચારો કરાવતા ૨૫ ઓગસ્ટથી અત્યાર સુધી ત્રણ અઠવાડિયાથી પણ ઓછા સમયમાં ૩,૭૯,૦૦૦થી વધુ રોહિંગ્યા મુસ્લિમોને જીવ બચાવી બાંગ્લાદેશની સરહદો પર ભાગી જવાની ફરજ પડી છે.
ઉલ્લેખનીય છે કે, સરહદની બંને બાજી માનવીય સંકટ સર્જનાર હિંસા થઇ રહી છે અને સેનાના અભિયાનને વખોડવા માટે સૂ કી પર આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું છે જેમાં સંયુક્ત રાષ્ટ્રે તો તેને વંશીય સફાયા તરીકે ગણાવ્યું છે. બાંગ્લાદેશ લાખો ભૂખ્યા રોહિંગ્યા મુસ્લિમોને મદદ કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે જેમાં ૬૦ ટકા મહિલાઓ અને બાળકો છે. ઉપરાંત ૩૦,૦૦૦થી વધુ બુદ્ધો અને હિંદુઓ પણ મ્યાનમારમાં ઘરવિહોણા થયા છે. બાંગ્લાદેશમાં બુધવારે પણ નવ હજાર લોકોએ આજે પ્રવેશ કર્યો હતો જ્યારે બાંગ્લાદેશે હજારો લોકો માટે શરણાર્થી કેમ્પોની વ્યવસ્થા કરી હતી. મ્યાનમારમાં સૂ કી છેલ્લા દશકોમાં પહેલાં લોકતાંત્રિક નેતા બન્યા છે પરંતુ તેમનુું સેના પર કોઇ અંકુશ નથી. ૨૦૧૫માં સરકાર બની તે પહેલાં ૫૦ વર્ષથી અહીં સેના સત્તા સંભાળી રહી હતી. રોહિંગ્યા મુસ્લિમો માટે અહીંના બહુમતી બુદ્ધોમાં પણ સહાનુભૂતિ નથી જ્યારે જમીન વિહોણા મુસ્લિમોને બંગાળી ગણાવાય છે અને ગેરકાયદે વસાહતી જેવો વ્યવહાર કરવામાં આવે છે. માનવ અધિકાર સંસ્થાઓએ સેંકડો લોકોનાં મોત બદલ સૂ કીની આકરી ટીકા પણ કરી છે. બુદ્ધોના ટોળાઓની મદદથી મ્યાનમારની સેનાએ રખિનેમાં સેંકડો મુસ્લિમોને મોતને ઘાટ ઉતાર્યા છે. સૂ કીનો નિર્ણય એવા સમયે બહાર આવ્યો છે જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ બંધ બારણે શરણાર્થી સંકટની સંયુક્ત રાષ્ટ્રમાં ચર્ચા કરવા યોજના ઘડી રહ્યું છે. સરકારના પ્રવક્તા ઝો હતેયે સૂ કીના નિર્ણય પાછળ કોઇ કારણ પણ દર્શાવ્યું નહોતું.