(એજન્સી) અંકારા, તા.૪
તુર્કીશ પ્રમુખ રેસેપ એર્દોગાને શુક્રવારે રોહિંગ્યા મુસ્લિમ લઘુમતીઓના નરસંહાર બદલ મ્યાનમાર પર આરોપ મૂક્યો છે. આ વર્ષે હજારો રોહિંગ્યા મુસ્લિમોએ વંશીય હિંસાને કારણે મ્યાનમારમાંથી બાંગ્લાદેશની સરહદમાં પ્રવેશીને સ્થળાંતર કયુર્ં છે. ઈદ અલ- અઝહાનો તહેેવાર, કે જે અબ્રાહમની તેમના પુત્રનું બલિદાન આપવાની ઈચ્છાને યાદ રાખીને ઉજવવામાં આવે છે. આ તહેવાર નિમિત્તે એર્દોગાને જણાવ્યું કે, ત્યાં નરસંહાર થયો છે અને આ નરસંહારની સામે જે લોકોએ પોતાની આંખો મીચી દીધી છે, તેને કારણે લોકશાહીમાં પણ તે કાયમી સમસ્યા બની ગઈ છે. મ્યાનમારના ઉત્તર-પૂર્વ રાખિને રાજ્યમાં ભડકી ઉઠેલી હિંસાને કારણે લગભગ ૪૦૦ જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાં મોટાભાગના રોહિંગ્યા મુસ્લિમો હતા. આ હિંસાનું પ્રમાણ પણ નિયંત્રણ બહારનું હતું. રાજ્યમાં ભડકી રહેલી હિંસાને કારણે લશ્કરી દળોને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે, જેથી રાજ્યના તંગ બનેલા વાતાવરણમાં સુધારો આવી શકે. ઉપરાંત ૩૧ ઓગસ્ટના રોજ કોક્સ બજારમાં બાંગ્લાદેશના કોસ્ટગાર્ડોને ૧૭ રોહિંગ્યાઓના શબ મળી આવ્યા છે, કે જેઓ હોડીમાં બેસીને મ્યાનમારમાંથી બાંગ્લાદેશ તરફ હિજરત કરી રહ્યાં હતાં. આ ૧૭ લોકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આ રોહિંગ્યાઓ જ્યારે હોડીમાં બેઠેલા હતા, ત્યારે તેમની હોડી અચાનક પલટી ખાઈ જતાં, આ દુર્ઘટના સર્જાઈ હતી. લગભગ ૨૦,૦૦૦ શરણાર્થીઓને હાલ મ્યાનમારમાંથી બાંગ્લાદેશમાં હિજરત કરવાની ફરજ પડી છે. જ્યારે ૪,૦૦,૦૦૦ જેટલા રોહિંગ્યાઓને બાંગ્લાદેશ પહેલેથી જ આશરો આપી રહ્યું છે. બાંગ્લાદેશના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, બે દેશોને વિભાજિત કરતી નાફ નદીમાંથી હિજરત કરી રહેલા રોહિંગ્યાઓની સંખ્યામાં હાલ તો સતત વધારો થઈ રહ્યો છે. આ રોહિંગ્યાઓ પૂર ઝડપે વહેતા પાણીમાં ખખડધજ હોડીઓ લઈને પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન આ દુર્ઘટના સર્જાતા ૧૭ લોકોનાં મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે.