(એજન્સી) જયપુર, તા.ર૬
આર્ય સમાજના સ્વામી અગ્નિવેશે રોહિંગ્યા મુસલમાનો સાથે કેન્દ્રના વ્યવહારની સખ્ત નિંદા કરતાં ઘોષણા કરી છે કે તેઓ ર ઓક્ટોબરના રોજ ‘ગાંધી જયંતી’ના અવસરે વ્રત રાખશે. સ્વામી અગ્નિવેશે કહ્યું કે હિન્દુસ્તાની ‘વસુધૈવ કુટુંબક્મ’ની પરંપરા છે કે માનવતાની ફરજ બજાવતા લોકોનું રક્ષણ કરવાની સાથે તેમને શરણ આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, જે રીતે ભારતે બાંગ્લાદેશીઓ, તિબેટીયનો અને અફઘાનિસ્તાનના શરણાર્થીઓને શરણ આપી છે. તેવી જ રીતે રોહિંગ્યા મુસલમાનોને પણ દેશમાં શરણ આપવી જોઈએ. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ દ્વારા રોહિંગ્યા મુસ્લિમોને આતંકવાદી ગણાવ્યાની બાબતની નિંદા કરી છે. તેમણે કહ્યું કે રોહિંગ્યાઓ આતંકવાદી છે તેવો એક પણ પુરાવો સરકારે આપ્યો નથી. તેમણે કહ્યું કે રોહિંગ્યા મુસ્લિમો પોતાના દેશમાં થઈ રહેલી અસુરક્ષા અને નરસંહારની સમસ્યા સામે ઝઝૂમીને ૬૦ હજારથી વધુ રોહિંગ્યાઓએ જમ્મુ-કાશ્મીરમાં શરણ લીધી છે. જેમની સુરક્ષા, ભોજન અને સ્વાસ્થ્યની નૈતિક જવાબદારી કેન્દ્ર સરકારની છે. તેમણે મોદી સરકાર પર ધર્મના આધારે શરણાર્થીઓનું વિભાજન કરવાનો આરોપ લગાવતાં કહ્યું કે આ નીતિઓના કારણે દેશમાં સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન મળી રહ્યું છે.