(એજન્સી)
નવી દિલ્હી, તા.રર
ભારતીય સેનાએ બાંગ્લાદેશ અને મ્યાનમાર સીમાઓ ઉપર રોહિંગ્યાઓના ગેરકાયદેસર પ્રવેશ અટકાવવા માટે મરચાંનો સ્પ્રે અને બેભાન કરનારા વિસ્ફોટકોનો ઉપયોગ કરી રહી છે. ભારત સરકાર ભારતમાં રહી રહેલ ગેરકાયદેસર ૪૦ હજાર શરણાર્થીઓને મ્યાનમાર પરત મોકલવાના પ્રયાસો કરી રહી છે. સરકારના મતે એ દેશમાં સુરક્ષા માટે ભય ઊભો કરનાર છે. સરકારે સૈન્યને આ પ્રકારે રોહિંગ્યાઓને પ્રવેશ કરતા અટકાવવાની સત્તા આપેલ છે. સૈન્ય અધિકારીએ કહ્યું કે અમે એમને ગંભીર ઈજાઓ પહોંચાડવા નથી ઈચ્છતા અને એ સાથે અમારે એમની ધરપકડ પણ નથી કરવી. એ માટે આ પ્રકારના સાધનોનો ઉપયોગ કરી રહ્યા છીએ જેથી એમને પ્રવેશતા અટકાવી શકાય. રપમી ઓગસ્ટ પછી બાંગ્લાદેશમાં ૪ લાખથી વધુ રોહિંગ્યાઓ પ્રવેશી ચૂક્યા છે. જેના કારણે બાંગ્લાદેશ સરકાર મુશ્કેલીઓમાં મુકાઈ છે. એમની ક્ષમતા નથી કે આટલા બધા લોકોને સાચવી શકાય. જેથી ભારત માટે ભય ઊભો થયો છે કે ત્યાંથી પણ રોહિંગ્યાઓ ભારતમાં પ્રવેશી શકે છે. ભારત સરકાર દેશમાં રહી રહેલ રોહિંગ્યાઓ પ્રત્યે ખૂબ જ આક્રમક વલણ દાખવી રહી છે. સુપ્રીમ કોર્ટમાં સરકારે રજૂઆતો કરી છે કે ગુપ્તચર એજન્સીથી માહિતી મળી છે કે એમના સંબંધો અલ કાયદા સાથે છે જેથી અમે રોહિંગ્યાઓને મ્યાનમાર પાછા મોકલવાનો પ્રયાસો કરીએ છીએ. બીજી બાજુ અમુક સંગઠનોએ અને રોહિંગ્યા શરણાર્થીઓએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી જણાવ્યું છે કે અમને મ્યાનમારમાં જીવનું જોખમ છે જેથી અમને ત્યાં પાછા જવાની ફરજ પાડવામાં નહિં આવે.