નવી દિલ્હી, તા. ૫
કેન્દ્રીય મંત્રી કિરન રિજિજુએ મંગળવારે જણાવ્યંુ હતું કે, રોહિંગ્યા મુસ્લિમો ગેરકાયદે શરણાર્થીઓ છે અને તેમનો દેશનિકાલ થઇને જ રહેશે અને ભારતે વિશ્વમાં સૌથી વધુ શરણાર્થીઓને સ્થાન આપ્યું છે તેથી કોઇએ ભારતને આ મુદ્દે શીખામણ આપવાની જરૂર નથી. રિજિજુએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે, હું આંતરરાષ્ટ્રીય સંગઠનોને કહેવા માગું છું કે, રોહિંગ્યા મુસ્લિમો યુએન માનવ અધિકાર સંગઠનમાં નોંધાયેલા છે કે નહીં. તેઓ ભારતમાં ગેરકાયદે આશ્રીતો છે. ગૃહ બાબતોના રાજ્યપ્રધાને જણાવ્યું હતું કે, તેઓ કાયદેસરના આશ્રિતો નથી તેથી તેમનો દેશનિકાલ થવો જ જોઇએ. અમારો દેશ મહાન લોકશાહી પરંપરાઓનો હોવાથી તેમનો દિશનિકાલ થવો જ જોઇએ. કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે, ભારતે વિશ્વમાં સૌથી વધુ આશ્રિતોને સ્વીકાર્યા છે તેથી કોઇએ પણ શરણાર્થીઓ સાથેના વર્તનની શીખામણ ભારતને આપવાની જરૂર નથી. આ અંગે કડક વલણ આપતા તેમણે જણાવ્યું હતું કે, અમે કાયદાકીય રીતે ચાલી રહ્યા છીએ ત્યારે અમારી સામે અમાનવીય હોવાનો આરોપ કેમ મુકવામાં આવે છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોેને રોહિંગ્યાઓને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવા આદેશ આપી દીધો છે. દરમિયાન બે રોહિંગ્યા મુસ્લિમોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવી તેમને મ્યાનમાર નહીં મોકલવા કેન્દ્ર સરકારને નિર્દેશ કરવા માગણી કરી છે. મ્યાનમારના પશ્ચિમ રાખીનેમાં હિંસા ભડકતા રોહિંગ્યા મુસ્લિમો ભારતમાં આવી ગયા હતા.