સિડની,તા.૧૦
ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ૧૨, જાન્યુઆરીથી ઑસ્ટ્રેલિયાના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડથી ત્રણ મેચની વન-ડે સિરીઝ રમાવા જઇ રહી છે. હાલ બન્ને ટીમ આગામી મેચને ધ્યાનમાં રાખીને તૈયારીમાં લાગી ગઇ છે. ત્યારે ટીમ ઇન્ડિયાના ઉપ-કપ્તાન રોહિત શર્માએ ભારતીય ટીમમાં પૂર્વ કપ્તાન અને વિકેટકીપર મહેન્દ્ર સિંઘ ધોનીના રોલને લઇને ઘણી મહત્વની વાતો કરી હતી.
ટીમમાં ધોનીના રોલને લઇને રોહિત શર્માએ જણાવ્યું હતું કે ડ્રેસિંગ રૂમમાં ધોનીની હાજરી માત્રથી જ માહોલ એકદમ શાનદાર રહે છે. છેલ્લા કેટલાય સમયથી તેમની હાજરીને કારણે ડ્રેસિંગ રૂમનો માહોલ એકદમ શાનદાર રહે છે. સાથે-સાથે તેમની હાજરીનું પરિણામ મેદાન પર પણ જોવા મળે છે. ટીમમાં તેમની હાજરીને કારણે આખી ટીમમાં શાંતિનો માહોલ બન્યો રહે છે અને એ સીવાય કપ્તાનને પણ એક પરોક્ષ રીતે ટેકો મળી રહે છે. મેચમાં એ જે નંબર પર બેટિંગ કરવા ઉતરે છે એ એકદમ બરાબર છે કારણ કે બેટિંગ ઑર્ડરમાં ફિનિશિંગ ટચ એકદમ જરૂરી હોય છે.
છેલ્લા કેટલાક સમયથી ધોનીનું પ્રદર્શન ખરાબ જોવા મળી રહ્યું છે, તેમની બેટિંગ પણ કઇ ખાસ જાદૂ કરી રહી નથી અને એટલા માટે જ ટીમમાં તેમની હાજરીને લઇને ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે.