દુબઈ, તા.૧૭
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આઈસીસીએ સોમવારે જારી કરેલા તાજા ટી-૨૦ આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં બેટ્‌સમેનોના ક્રમમાં ૧૦માં સ્થાન પર ખસકી ગયો છે. તેના સાથી લોકેશ રાહુલ અને રોહિત શર્મા ક્રમશઃ બીજા અને ૧૧માં સ્થાને યથાવત છે. કોહલી (૬૭૩)ને એક સ્થાનનું નુકસાન થયું છે. મહત્વનું છે કે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ૫ મેચોની સિરીઝમાં તેણે ૪ ઈનિંગમાં ૧૦૫ રન બનાવ્યા હતા. બીજીતરફ, દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રણ મેચોની સિરીઝમાં ઈંગ્લેન્ડની ૨-૧થી જીત દરમિયાન બે અડધી સદીની મદદથી ૧૩૬ રન બનાવનાર કેપ્ટન ઇયોન મોર્ગન કુલ ૬૮૭ પોઈન્ટની સાથે ૯માં સ્થાન પર પહોંચી ગયો છે. ઈજાને કારણે ટીમથી બહાર ચાલી રહેલ રોહિત શર્મા ૬૬૨ પોઈન્ટની સાથે ૧૧માં સ્થાન પર છે. પાકિસ્તાનનો બાબર આઝમ આ યાદીમાં ટોપ પર છે. આઝમના ૮૭૯ પોઈન્ટ છે. રાહુલ ૮૨૩ પોઈન્ટની સાથે બીજા સ્થાને છે. બેટ્‌સમેનોમાં આફ્રિકાનો ક્વિન્ટન ડિ કોક ૧૦ સ્થાનના ફાયદાથી ૧૬માં જ્યારે તેનો ઓપનિંગ જોડીદાર તેમ્બા બાવુમા ૧૨૭ સ્થાનની લાંબી છલાંગ સાથે ૫૨માં સ્થાને પહોંચી ગયો છે. બોલરોના રેન્કિંગમાં ભારતનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વેસ્ટ ઈન્ડિઝના બોલર શેલ્ડન કોટરેલની સાથે સંયુક્ત ૧૨માં સ્થાન પર છે. આફ્રિકાનો સ્પિનર તબરેજ શમ્સી નવ સ્થાનની છલાંગ સાથે ટોપ-૧૦માં સામેલ થઈ ગયો છે. તે આઠમાં સ્થાન પર છે. ઈંગ્લેન્ડનો સ્પિનર આદિલ રાશિદ આફ્રિકાના એન્ડિલે ફેહલુકવાયોને પછાડીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. બોલરો અને ઓલરાઉન્ડરોની યાદીમાં ક્રમશઃ રાશિદ ખાન અને મોહમ્મદ નબી ટોપ પર છે.