નવી દિલ્હી, તા.૮
ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્‌સમેન રોહિત શર્માએ અને ઑલરાઉન્ડર ખેલાડી રવીંદ્ર જાડેજા અને કમેન્ટેટર અને પૂર્વ ક્રોકેટર સંજય માંજરેકર વચ્ચે થયેલ બોલચાલને તેમની વ્યક્તિગત બાબત જણાવી છે. રોહિતે જણાવ્યું કે, દરેક વ્યક્તિ અલગ-અલગ સમયે અલગ-અલગ પ્રતિક્રિયા આપે છે.
રોહિતે વધુમાં જણાવ્યું કે, ‘ખેલાડી માટે આ પડકારરૂપ છે. આવી ભડકાવનારી વાતો તો થશે, પરંતુ દરેક વ્યક્તિનો મત અલગ-અલગ હોય છે. આ એ વાત પર નિર્ભર કરે છે કે, તેઓ એ ઘટના કે સ્થિતિ બાબતે કેવી રીતે વિચારે છે. મારા માટે, જેવું મેં હમણાં કહ્યું, હું ઇચ્છું છું કે, હું આ બધાથી દૂર જ રહું અને ઈંગ્લેન્ડના સુંદર વાતાવરણનો આનંદ લઉં.’
તેણે કહ્યું, ‘મારો પરિવાર પણ અહીં છે, એટલે હું એ જ પ્રયત્ન કરૂં છું કે, હું આ બધી બાબતોની જગ્યાએ પોતાના પર વધારે ધ્યાન આપું, કારણ કે જ્યાં સુધી તમે રમશો ત્યાં સુધી આવી વાતો તો થતી જ રહેશે. રોહિતે કહ્યું, ‘આ માટે તમે આ બધાથી દૂર રહેવા ઇચ્છો છો, કારણકે આખરે અમારૂં અહીં આવવાનું કામ સારી ક્રિકેટ રમવાનું અને વર્લ્ડકપ જીતવાનું છે. જે અમે બધા જાણીએ જ છીએ.’ જો કે તેણે એમ પણ કહ્યું કે, ‘કોઇના કાનમાં સતત બૂમો પાડતા રહેવું યોગ્ય નથી. એટલે મને લાગે છે કે, એક ક્રિકેટર તરીકે આપણે આપણા કામ પર ધ્યાન આપવું જોઇએ.’