(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૪
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની વિશેષ તપાસ ટીમે એન.ડી.તિવારીના પુત્ર રોહિત શેખરની હત્યાનો ભેદ ઉકેલ નાંખ્યો છે. પોલીસે હત્યાના આરોપસર રોહિતની પત્ની અપૂર્વા શુકલાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. અપૂર્વા શુકલાએ હત્યા કર્યાનું કબૂલ કર્યું હતું. હત્યાના દિવસે રોહિત અને પત્ની અપૂર્વા વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો ત્યારબાદ મોડી રાત્રે અપૂર્વાએ રોહિતનું ગળું દબાવી હત્યા કરી હોવાનો પોલીસ સમક્ષ સ્વીકાર કર્યો હતો. તેમ ક્રાઈમ બ્રાન્ચના વડા રાજીવ રંજને જણાવ્યું હતું. પોલીસ રોહિતની હત્યાના સંદર્ભમાં મજબૂત પુરાવા શોધી કાઢી તેની પત્ની અપૂર્વાની ધરપકડ કરી હતી. આમ રોહિત શેખરની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.
પોલીસે કહ્યું કે, શેખરના નોકરોના જણાવ્યા અનુસાર પત્ની અપૂર્વા શુકલાને રોહિત સાથે તેના મૃત્યુના ૧ કલાક પહેલા વીડિયો કોલથી ઝઘડો થયો હતો. ત્યારબાદ અપૂર્વાએ રોહિતની રૂમમાં જઈ તેનું ગળું દબાવી હત્યા કરી હતી.
ઉત્તરાખંડથી પરત ફરતા રોહિત અને અપૂર્વા વચ્ચે ઝઘડો થયો હતો. જે હત્યામાં પરિણમ્યો હતો. એમ્સમાં રોહિતના પીએમ બાદ હત્યા કરાઈ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપી હતી. પોલીસ ઝીણવટભરી તપાસ કરી અંતે હત્યા માટે જવાબદાર રોહિતની પત્ની અપૂર્વાની ધરપકડ કરી હતી.

રોહિત નશામાં ચકચૂર હોવાથી પત્નીનો સામનો કરી શક્યો નહીં

પોલીસે કહ્યું કે, એન.ડી.તિવારીનો પુત્ર રોહિત હત્યાની રાત્રે ખૂબ જ દારૂ પીધેલી હાલતમાં હોવાથી પત્ની અપૂર્વા સામે વળતો હુમલો કરી શક્યો નહીં. અપૂર્વાએ તકિયા વડે રોહિતનું ગળું દબાવી દેતાં શ્વાસ રૂંધાતાં રોહિતનું મોત થયું હતું. વ્યવસાયે વકીલ આરોપી પત્ની અપૂર્વાની પોલીસે સતત ત્રણ કલાક પૂછપરછ હાથ ધરી હતી. અપૂર્વા એ કબૂલ કર્યું કે તેનું લગ્નજીવન દુઃખી હતું તેથી પતિની હત્યા કરી. કારણ કે તમામ સ્વપ્નો રોળાઈ ગયા હતા. બંને વચ્ચે ભારે મારામારી થઈ હતી. રોહિત પીધેલી હાલતમાં હોવાથી મુકાબલો કરી શક્યો નહીં. ત્યારબાદ પત્ની અપૂર્વાએ પુરાવા નષ્ટ કરી દીધા હતા.