અમદાવાદ, તા.૪
ગુજરાત સરકાર દ્વારા વધારેમાં વધારે મૂડીરોકાણ થકી રોજગારીનું સર્જન થાય તેવી ઔદ્યોગિક નીતિ બનાવવામાં આવેલી છે. તેમજ વર્ષ-ર૦૦૩થી વાઈબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમ દ્વારા અસરકારક કામગીરી કરીને ગુજરાતમાં મોટા પ્રમાણમાં મૂડીરોકાણ આવકારવામાં આવ્યું છે તેમજ પ્રોત્સાહન પણ પૂરું પાડવામાં આવે છે જેના કારણે મોટા પાયે રોજગારીનું સર્જન થવા પામેલ છે. ઉદ્યોગોની જરૂરિયાત મુજબ કૌશલ્ય સભર માનવબળ ઉપલબ્ધ કરાવવા ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોબર-ર૦૧૭ના પ્રથમ બે અઠવાડિયામાં દરેક જિલ્લામાં એક સેક્ટર સ્પેસીફિક મેગા જોબફેરનું આયોજન કરવામાં આવેલ છે. તા.પ/૧૦/ર૦૧૭ના રોજ જામનગર, જૂનાગઢ, મહેસાણા, તા.૬/૧૦/ર૦૧૭ના રોજ નર્મદા, વલસાડ, આહવા, પોરબંદર, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા અને દાહોદ, તા.૭/૧૦/ર૦૧૭ના રોજ ભરૂચ, તાપી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, વડોદરા, મહિસાગર, છોટાઉદેપુર, તા.૯/૧૦/ર૦૧૭ના રોજ પંચમહાલ, તા.૧૦/૧૦/ર૦૧૭ના રોજ સુરત, ખેડા, આણંદ અને ૧ર/૧૦/ર૦૧૭ના રોજ મોરબી ખાતે સેક્ટર પેસીફિક મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, કુલ ૩૩ ભરતી મેળા થકી કુલ પ૦,૦૦૦ યુવક યુવતીઓને રોજગારી આપવામાં મદદરૂપ થવાનો નિર્ધાર કર્યો છે. આમ, સર્વગ્રાહી રીતે દરેક જિલ્લામાં દર ત્રણ માસે એક જિલ્લા કક્ષાનો મેગા જોબફેર અને તે જિલ્લાના દરેક તાલુકામાં પણ એક જોબફેર થઈ રહ્યો છે. મહિલાઓ માટે અલગ જોબફેરનો પ્રયોગ સફળ થયો છે. જાન્યુઆરી-ર૦૧૭થી ડિસેમ્બર-ર૦૧૭ સુધીમાં રોજગાર કચેરીઓ મારફતે વિક્રમજનક ૪,૦૦,૦૦૦ યુવક-યુવતીઓને રોજગારી આપવામાં આવશે. ઉપરોક્ત રેકર્ડ આધારિત હકીકત હોવા છતાં અને ગુજરાત વર્ષ-ર૦૦રથી રોજગાર કચેરી મારફત રોજગારી અપાવવામાં સર્વપ્રથમ સ્થાન ધરાવતું હોવા છતાં તેમજ લેબર બ્યુરો, ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા પ્રસિદ્ધ થયેલ સપ્ટેમ્બર-ર૦૧૬ના રિપોર્ટમાં ગુજરાતનો બેરોજગારીનો દર સમગ્ર ભારતમાં સૌથી ઓછો હોવા છતાં વિરોધપક્ષ દ્વારા ગુજરાતમાં બેરોજગારીનું ખોટું ચિત્ર દર્શાવી યુવાનોને ગુમરાહ કરવામાં આવે છે. ગુજરાતે વિકાસનું અદ્વિતીય મોડેલ તો આપેલું જ છે સાથે સાથે રોજગાર કચેરીઓના અને રોજગાર મેળાના વહીવટનું પણ મોડલ સમગ્ર દેશ સમક્ષ આપેલું છે.