(સંવાદદાતા દ્વારા) વેરાવળ, તા.ર૧
દેશમાં વેસ્ટ ફીશમાંથી બનતા ફીશ પાવડર પર ભુતકાળમાં કયારેય કોઇજાતનો ટેક્ષ ન હોવા છતાં થોડા સમય પૂર્વે કેન્દ્ર સરકારના વિભાગએ ફીશ પાવડરને જીએસટી હેઠળ આવરી લઇ જીએસટી વસુલાત કરવાની કાર્યવાહી શરૂ કરી છે. જેના વિરોઘમાં ફીશમીલોના રાષ્ટ્રીય સંગઠનની આગેવાની હેઠળ દેશના છ રાજયોમાં ફીશમીલો બંઘ કરી હડતાલ શરૂ થઇ છે. જે હડતાલના સમર્થનમાં ગઇકાલથી ગુજરાતની ફીશમીલોએ બંઘ કરી જોડાતા લાખો લોકોની રોજીરોટીને અસર પહોંચવાની શરૂઆત થઇ છે.
વેરાવળ જીઆઇડીસીમાં ઓલ ઇન્ડીયા ફીશમીલ-ઓઇલ મેન્યુફેકચર્સ એન્ડ મરચન્ટર્સ એસો.ના સેક્રેટરી દાવુદ સેઇટ, ગુજરાત પ્રમુખ ઇસ્માઇલભાઇ, ઉપપ્રમુખ કિરણ ચુડાસમાએ રાજયમાં ચાલતી ફીશમીલોના માલીકો સાથે બેઠક કરી ફીશમીલોને જીએસટીમાં આવરી લીઘેલ હોય જેને ફરી બહાર કઢાવવા માટે દેશના અન્ય રાજયોમાં ચાલી રહેલ લડતમાં રાજયની ફીશમીલો પણ જોડાય તે મુદે લાંબી ચર્ચા-વિચારણાઓ કરી હતી.
આ બેઠકમાં લેવાયેલ નિર્ણય અંગે ફીશમીલ એસો.ના રાષ્ટ્રીય સેક્રેટરી દાવુદ સેઇટએ જણાવેલ કે, દેશભરમાં વેસ્ટ ફીશમાંથી ફીશ પાઉડર બનાવવાનું કામ કરતી અસંખ્ય ફીશમીલો કાર્યરત હોય જેના થકી મોટીસંખ્યામાં નાના વર્ગના લોકો મોટી રોજગારી મેળવે છે. આ ફીશ પાવડર બનાવવાના ઉઘોગ પર દેશના ઇતિહાસમાં વેટ, સેલટેક્ષ જેવો કોઇપણ પ્રકારનો ટેક્ષ લાગ્યો ન હતો. તેમ છતાં થોડા સમય અગાઉ ફીશ પાવડરને ખોટી રીતે જીએસટીમાં આવરી લઇ ફીશમીલો પાસેથી જીએસટી ઉઘરાવવા બાબતે રાષ્ટ્રીય સ્તરે કાર્યવાહી શરૂ થઇ છે. જેના વિરોઘમાં દેશમાં દરીયાકિનારે મોટો ફીશ ઉઘોગ ઘરાવતા કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, આંઘ્રપ્રદેશ, કેરેલા, તામીલનાડુમાં કાર્યરત ફીશમીલો બંઘ કરી હડતાલ પર ઉતર્યા છે. આ હડતાલમાં ગુજરાતની ફીશમીલો પણ સહકાર આપી જોડાઇ તે માટે રાષ્ટ્રીયકક્ષાએ જીએસટીમાં સમાવિષ્ટ કરવાના વિરોઘની ઝુંબેશ ચલાવતું ફીશમીલોના રાષ્ટ્રીય સંગઠનના હોદેદારોએ બેઠક કરી છે. જેમાં ગુજરાતમાં કાર્યરત ૨૫ જેટલી ફીશમીલોના રાજય સંગઠને દેશવ્યાપી હડતાલને ટેકો આપી આજથી ફીશમીલો બંઘ કરી દીઘી છે. આ બાબતનું નિરાકરણ ન આવે ત્યાં સુઘી રાજયની ફીશમીલો બંઘ રાખશે. આ ઉપરાંત આગામી દિવસોમાં સાંસદ રાજેશભાઇ ચુડાસમાને સાથે રાખી ફીશમીલના સંગઠનનું પ્રતિનિઘિ મંડળ પ્રઘાનમંત્રી મોદી અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને રૂબરૂ મળી ફીશ પાવડરને જીએસટીમાંથી બહાર કરવા વિસ્તૃત રજુઆત કરી માંગણી કરશે.