(સંવાદદાતા દ્વારા)
વડોદરા,તા.૧૩
પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા ખાસ આદેશના પગલે રાત્રિના સમયે અલગ અલગ સ્થળોએ નાકાબંધી અને સઘન વાહન તપાસણી ઝુંબેશ જારી છે.
દરમ્યાન જેપી રોડ પોલીસ મથકના પો.ઇ. ખેર અને સ્ટાફના કર્મીઓ વાસણા રોડ પર વાહન તપાસણી અને નાકાબંધી સ્થળે તૈનાત હતા. સાંઇનાથ પાર્ક સોસાયટી પાસેથી પસાર થતા એક્ટિવા ચાલકને હાથના ઇસારે થોભાવી દીધા બાદ પોલીસે એક્ટિવાની તલાસી લીધી હતી. એક્ટિવાની ચોરી કરવાના સાધનો ચાંદીના દાગીના રોકડ સહિતની માલમત્તા મળી આવી હતી. પોલીસની પુછપરછમાં ગેરમાર્ગે દોરવાની કોશિષ કરનાર શખ્સને અલગ અલગ બે સ્થળોએ ઘરફોડ ચોરીની કબુલાત કરી હતી.
આથી પોલીસે એક્ટિવા સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જે.પી. રોડ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે રવિકુમારે મેહરની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછમાં ગોત્રી અને બાપોદ પોલીસ મથકની હદમાં બે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવણીની કબુલાત કરી હતી. આથી ગોત્રી અને બાપોદ પોલીસને ઘરફોડીયા અંગેની જાણ કરવામાં આવી હતી. બાપોદ અને ગોત્રીની પોલીસની પુછપરછ દરમ્યાન રવિકુમાર મેહરની અન્ય ગુનામાં સંડોવણી છે કે કેમ તે અંગેની વિગતો સપાટી પર આવશે તેમ મનાય છે.