(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૬
બજેટમાં ધનિકો પર વધુ સરચાર્જ લગાવવાના પ્રસ્તાવ પર કેન્દ્રનો એક વર્ગ જ સહમત નહીં હોવાનું લાગે છે. તેમનું એવું માનવું છે કે સરકારના આ પગલાથી નવા રોકાણકારો હતાશ થશે અને વધુ સંપત્તિવાળા લોકોનો ભારત છોડવાનો ટ્રેન્ડ વધુ વધી જશે. નોંધનીય છે કે બજેટનું ફોકસ એ વાત પર છે કે દેશમાં ધીમા પડતા રોકાણને ખાનગી ભાગીદારી દ્વારા વેગ આપવામાં આવે. જોકે, ધનિકો પર સરચાર્જના આ પ્રસ્તાવને તેનાથી વિપરીત પગલું માનવામાં આવે છે. એનડીએ સરકારના એક ટોચના નીતિ ઘડનારાએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું કે ધનિકો પર સરચાર્જની રોકાણ પર અત્યંત ખરાબ અસર થશે. સરકારના આ પગલાથી ‘યુનિકોર્ન’ એટલે એક અબજ ડોલરથી વધુ બજાર મૂલ્ય ધરાવતી ટેક સ્ટાર્ટઅપ કંપનીઓ હતોત્સાહિત થશે. તદ્‌ઉપરાંત દેશમાં ઉચ્ચ આવકવર્ગવાળા લોકોની સંખ્યા વધવા પર પણ ખરાબ અસર પડશે. જ્યારે સરકારને એવી આશા છે કે સુપર રિચ કેટેગરીના કરદાતાઓ પર સરચાર્જ લગાવીને ૧૨ હજાર કરોડ રૂપિયાની વધુ આવક થશે પરંતુ નિષ્ણાતોએ એવી ચેતવણી આપી છે કે રોકાણ પર તેની વિપરીત અસર થશે. નવા ટેક્સને કારણે ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટો દ્વારા થનારા રોકાણ પર માઠી અસર થશે. આ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટો દ્રારા વિદેશી રોકાણકારો ભારતીય શેર બજારમાં રોકાણ કરે છે. નાણા પ્રધાન સંસદમાં નાણા બિલ પર જવાબ આપશે ત્યારે આ પ્રસ્તાવોમાં થોડાક ફેરફાર કરવામાં આવે તેની આશા છે.