પાટણ, તા. ૯
પાટણમાં વોટ્‌સએપ ગ્રુપમાં રઘુવંશી લોહાણા સમાજની મહિલાઓ વિશે અભદ્ર તથા કોઈપણ સભ્ય સમાજને ન શોભે તેવું લખાણ વાયરલ થતા તેના ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે આવું લખાણ મોકલનારને કડકમાં કડક સજા થાય અને મહિલાઓને ન્યાય મળે તેવી માંગણી સાથે શહેરના બગવાડા ચોક ખાતેથી સમગ્ર લોહાણા સમાજ દ્વારા મૌન રેલી યોજી જિલ્લા પોલીસવડા અશ્વિન ચૌહાણને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
પાટણ વોટ્‌સએપ ગ્રુપમાં ગત તા. ર૩મી જૂને કોઈએ રઘુવંશી લોહાણા સમાજની મહિલાઓ વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ટિપ્પણી કરતું લખાણ વાયરલ થતાં સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. તેના ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા હોય તેમ આજે સમગ્ર રઘુવંશી લોહાણા સમાજ દ્વારા મૌન રેલી યોજવામાં આવી હતી. રેલી વિવિધ માર્ગો પર થઈ જિલ્લા પોલીસવડાની કચેરીએ પહોંચી હતી. જ્યાં મનીષાબેન ઠક્કર દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક અશ્વિન ચૌહાણને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે, સોશિયલ મીડિયામાં જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે તે માત્ર લોહાણા સમાજની નહીં પરંતુ અન્ય સમાજની મહિલાઓ માટે પણ લાંછનરૂપ છે. આગામી ૭ર કલાકમાં મેસેજ વાયરલ કરનારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર લડત આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ મૌન રેલીમાં રઘુવંશી લોહાણા સમાજની મહિલાઓ, આગેવાનો અને યુવાનો જોડાયા હતા.