(સંવાદદાતા દ્વારા)
સુરત તા.૧૩
સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં બદરી પેલેસમાં રહેતાં બદરી અહેમદ લેસવાલા દ્વારા વ્હોરા સમાજના એક ધાર્મિક પ્રવચનમાં ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર (સ.અ.વ.) સાહેબ વિશે તેમજ તેમના દોહિત્ર હઝરત ઇમામ હુસેન (રદી.) સાહેબ વિશે અપમાન જનક નિવેદન કરી સમગ્ર મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી ઉશ્કેરવાના મામલે બદરી લેસવાલા વિરૂદ્ધ કાયદેસર પગલા લેવામાં આવે તે બાબતે સુરત શહેર મુસ્લિમ સમાજના આગેવાનોના એક પ્રતિનિધી મંડળે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલીક યોગ્ય ન્યાય અપાવવા વિનંતી કરી હતી.
સુરત શહેરના અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે સાંજે સુરત શહેર મુસ્લિમ સમાજના આગેવાનોના બેનર હેઠળ યુસુફ પઠાણ તથા તેમની સાથે મુસ્લિમ સમુદાયના લોકો કલેક્ટર કચેરી ખાતે જઈ સુરત જિલ્લા કલેક્ટરને મળી એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, નવાપુરા ખાતે આવેલ બદરી પેલેસ ખાતે વસવાટ કરતા બદરી અહેમદ લેસવાલા દ્વારા વ્હોરા સમાજના એક ધાર્મિક પ્રવચનમાં ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર (સ.અ.વ.) સાહેબ વિશે અપમાનજનક નિવેદન જાહેર સભા મંચ ઉપર કર્યું હતું. જેનો વીડિયો હાલ ઘણા સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો તેમજ યુ ટ્યુબ ઉપર પણ અપલોડ થયેલ છે જે અંગેની જાણ સુરત શહેર મુસ્લિમ સમાજના આગેવાનોને થતાં જેમાં યુસુફ પઠાણ, શરીફ બાપુ, ફારૂક શેખ, ઐયુબ જી.શેખ, શબ્બીર ચાહવાલા, ફિરોઝ શેખ, જફર દેશમુખ, સૈયદ અમીન, ઇબ્રાહીમ ખાન સાથે અસંખ્ય લોકો જોડાઇ સુરત જિલ્લા કલેક્ટરને આ બાબતે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, આ બાબતની જાણ તેઓને થતાં તેમને ખૂબ જ આઘાત અને દુઃખ તેમજ ધાર્મિક અપમાનની લાગણી તેઓ અનુભવી રહ્યાં છે. તેમજ આ કામનો બદરી લેસવાલાએ ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર મુહમ્મદ (સ.અ.વ.)ના દોહિત્ર હઝરત ઇમામ હુસેન (રદી.) સાહેબ વિશે પણ અપમાનજનક ટિપ્પણી જાહેર મંચ ઉપર કરેલ જે ખૂબ જ નિંદનીય બાબત છે.
આવેદનપત્રમાં વધુમાં જણાવેલ કે સુરતમાં વ્હોરા સમાજ અને મુસ્લિમ સમાજ વર્ષોથી એક સંપ થઇને પરસ્પર ભાઇચારાથી રહે છે પરંતુ આ બદરી લેસવાલાની મનશા બે સમાજના લોકો વચ્ચે દરાર પાડવાની લાગી રહેલ છે. આ બદરી લેસવાલા માથાભારે ઇસમો સાથે વિવાદિત રીતે સંકળાયેલ હોય જમીન અને મકાનના કબજાઓ ખાલી કરાવવા બાબતે માથાભારે ઇસમો સાથેની સાંઠગાઠ હાલ સ્થાનિક છાપાઓમાં પ્રસિદ્ધ થઇ હતી. જેથી આ વ્યક્તિએ મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાવી છે અને જાણી જોઇને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણીને દુભાવી ગંભીર પ્રકારનો ગુનો કરેલ છે તેથી આ બદરી લેસવાલા વિરૂદ્ધ કાયદેસરના પગલા લઇ તે નિયંત્રણમાં રહે અને શહેરમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ જળવાય તેવી બધાની માગણી છે કે સખત કાયદેસરના પગલા લેવામાં આવે તેવું કલેક્ટરને આજરોજ સાંજે આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું.