વેલિંગ્ટન,તા.૨૧
રોસ ટેલર ત્રણેય ફોર્મેટમાં ૧૦૦ મેચ રમનાર વર્લ્ડનો પ્રથમ પ્લેયર બન્યો છે. તેમજ સ્ટિફન ફ્લેમિંગ, ડેનિયલ વિટ્ટોરી અને બ્રેન્ડન મેક્કુલમ પછી કિવિઝ માટે ૧૦૦ ટેસ્ટ રમનાર ચોથો પ્લેયર બન્યો છે. તેણે મેચ પહેલા કહ્યું હતું કે, “૧૦૦મી ટેસ્ટમાં બધાને સારું પ્રદર્શન કરવું હોય છે. પરંતુ હું તેનું દબાણ લઈશ નહીં. આ મેચને પણ અન્ય કોઈ ગેમની જેમ જ લઈશ. મને આશા છે કે હું સીરિઝની પહેલી મેચમાં ટીમ માટે જરૂરી યોગદાન આપીશ.” ૩૫ વર્ષીય ટેલર અત્યાસુધીની ૯૯ ટેસ્ટમાં ૪૬.૨૮ની એવરેજથી ૭૧૭૪ રન કર્યા છે, જેમાં ૧૯ સદી અને ૩૩ ફિફટી મારી છે. તેણે ૨૩૧ વનડેમાં ૨૧ સદી અને ૫૧ ફિફટીની મદદથી ૮૫૭૦ રન, જ્યારે ૧૦૦ ટી-૨૦માં ૭ ફિફટીની મદદથી ૧૯૦૯ રન કર્યા છે.
અગ્રવાલે મનોજ પ્રભાકરના ૩૦ વર્ષ જુના રેકોર્ડની બરાબરી કરી
મયંક અગ્રવાલ લંચ બ્રેક સુધી અણનમ રહ્યો હતો. ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ રમતી વખતે પ્રથમ સેશનમાં ભારતીય ઓપનર અણનમ રહ્યો હોય તેવું ૩૦ વર્ષ પછી થયું છે. છેલ્લે મનોજ પ્રભાકરે નેપિયર ખાતેની બીજી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. તેના ૯૫ રન થકી ભારતે ૩૫૮/૯ ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડે ૧ વિકેટે ૧૭૮ રન કર્યા હતા. મેચ ડ્રો રહી હતી. પ્રથમ અને છેલ્લા દિવસે વરસાદના લીધે મેચ રમાઈ નહોતી.