માહે રમઝાન શાંતિ, રહેમત અને દયા-કરૂણા, માફીનો મહિનો છે પણ તેને કેટલાક ભાન ભૂલેલા લોકોએ હાલ રકતરંજિત બનાવી દીધો છે. અલ્લાહ તરફથી રમઝાન માસ એ બંદાને મળેલી અમૂલ્ય ભેટ છે. જેનો સદુપયોગ કરવાને બદલે આ દુર્જન લોકોએ તેને રકતરંજિત કરી દીધો છે અને એ પણ  અલ્લાહના નામે…..! કેટલી મોટી કમનસીબી કહેવાય કે આ કહેવાતા મુસ્લિમ આતંકીઓએ વર્તમાન રમઝાન માસના પ્રથમ ૧ર દિવસમાં જ ૬૦ જેટલા આતંકી હુમલા કર્યા જેમાં ૮૩ર લોકોએ જીવ ગુમાવ્યા અને એક હજાર જેટલા લોકો લોહીલુહાણ ઘાયલ થયા. ભોગ બનેલા આ લોકો પૈકી ઘણા રોજેદાર પણ હશે જ. ઈસ્લામના નામે મુસ્લિમોને જ મોતને ઘાટ ઉતારાય એનાથી મોટી કરૂણતા બીજી શું હોઈ શકે ? તાજેતરના વર્ષોનો આ સૌથી લોહિયાળ રમઝાન માસ બની રહ્યો છે અને કોને ખબર બાકીના દિવસોમાં હજી કેટલું લોહી વહેશે… મુસ્લિમો માટે વર્તમાન રમઝાન માસ લોહિયાળ સાબિત થઈ રહ્યો છે. એક તરફ જેહાદનો તદ્દન અવળો અર્થ કરનારા જેહાદી જૂથો નાદાન-નાસમજ યુવાનોના બ્રેઈનવોશ કરીને એવી ખોટી બાબત શીખવી રહ્યા છે કે તેઓ નાસ્તિકો કે બેઈમાન લોકોની હત્યા કરશે તો શહીદનો દરજ્જો મળશે અને રમઝાનમાં આ હત્યાઓ કરશે તો તેમને ડબલ સવાબ મળશે. આવી ઈસ્લામ વિરોધી બાબતો દ્વારા તેઓ નાદાન યુવાનોને ફિદાઈન બનાવી રહ્યા છે અને મોટાભાગે મુસ્લિમોની જ હત્યાઓ રમઝાન જેવા પવિત્ર માસમાં પણ કરી રહ્યા છે અથવા તો કરાવી રહ્યા છે. આવા તત્ત્વો સમગ્ર વિશ્વના બિનમુસ્લિમ સમક્ષ ઈસ્લામને આવી રીતે રજૂ કરી રહ્યા છે જેના કારણે બિનમુસ્લિમો આને જ સાચો ઈસ્લામ માનવા લાગે છે પરિણામ ઈસ્લામની છબી ખરડાય છે.

રમઝાનનો પ્રથમ અશરો રહેમતનો કહેવાય છે પણ આતંકીઓએ તેનો અર્થ ઉલ્ટાવીને આ અશરાને તો લોહિયાળ મેદાનોમાં પલટી નાખ્યો પરંતુ બીજો અશરો મગફેરતનો એટલે કે અલ્લાહ પાસેથી માફી તલબ કરવાનો છે પણ આ આતંકી જૂથો એનો પણ અર્થ બદલીને યુવાનોને ગુમરાહ કરવામાં લાગેલા છે તેઓ આ ગુમારાહ યુવાનોને એવી પટ્ટી પઢાવી રહ્યા છે કે જો આ બીજા અશરામાં તેઓ નાસ્તિક-બેઈમાન લોકોને મારશે તો અલ્લાહ તેમને માફ કરી દેશે….!!! હવે તો એ ભય સતાવી રહ્યો છે કે ખરેખર તો ઈસ્લામના શત્રુ એવા આ આતંકીઓ તેમના ‘એજન્ડા’ને પાર પાડવા માટે કયાંક ‘રમઝાન’ના અર્થનો જ અનર્થ ન કરી નાખે. આ પવિત્ર મહિનામાં આપણે સૌ દૂઆ કરીએ કે ઈસ્લામની છબીને નુકસાન પહોંચાડનારા આવા તમામ તત્ત્વો નિષ્ફળ જાય અને ઈસ્લામ તથા રમઝાનનો અર્થ સમગ્ર વિશ્વ સુધી સાચી રીતે પહોંચે આમીન…!

ઉપરોક્ત તસવીરમાં સીરિયાના નાગરિકો વર્તમાન રમઝાન માસની બળબળતી બપોરે ઈસ્લામિક સ્ટેટ (ISIS)ના મજબૂત ગઢ ગણાતા રક્કાના બલબન ગામ પાસેના વિસ્તારમાં જીવ બચાવીને ભાગી રહ્યા છે. આવા પવિત્ર મહિનામાં બાલબચ્ચા અને ઘરવખરી સાથે પોતાનું ઘરબાર છોડવું કેટલું કઠિન હોઈ શકે એ તો આવી પીડા જેણે ભોગવી હોય એ જ સમજી શકે. આપણે તો દૂઆ કરીએ કે તકલીફમાં રહેલા વિશ્વના કોઈપણ ખૂણામાં વસતા તમામ મુસ્લિમોની પીડા દૂર થાય અને તેઓ પણ સુખચેનથી માત્ર રમઝાન  જ નહીં પણ તમામ મહિનાઓ શાંતિથી વીતાવી શકે. આમીન.