પ્રવર્તમાન  રમઝાન મહિનો  મુસ્લિમો માટે સુખ અને દુઃખના રેપરમાં વીંટળાઈને આવ્યો છે ક્યાંક  આનંદ છે  તો કયાંક પીડા છે. આપણે દૂઆ કરીએ કે અલ્લાહ સુબ્હાનહુ વ ત’આલા દુનિયાભરના મુસ્લિમોનું શેતાની દિમાગોથી રક્ષણ કરે. આમીન. છતાં જોવાની ખૂબી એ છે કે તકલીફોની વચ્ચે પણ ઘણા દેશોના મુસ્લિમો માહે રમઝાનનો હક અદા કરવાની શક્ય તેટલી કોશિશ કરી રહ્યા છે. જે મુસ્લિમ શાંતિવાળા માહોલમાં છે તેઓ સુખેથી રમઝાનની ઈબાદત કરી રહ્યા છે અને જે લોકો તકલીફોમાં છે તે આ તકલીફોને બાજુએ રાખીને પણ ઈબાદત કરી રહ્યા છે. પ્રથમ તસવીર સર્બિયાના બેલગ્રેડ ખાતે આવેલા ઝેમુન પોલ્જે જિલ્લામાં ગેરકાયદેસર હોવાનું જણાવીને સત્તાવાળાઓએ મસ્જિદને શહીદ કરી દીધી હતી. આ કાર્યવાહીનો મુસ્લિમોના પવિત્ર માસ રમઝાન પહેલા જ સ્થાનિક મુસ્લિમો અને ઈસ્લામિક ધર્મગુરૂઓએ વિરોધ કર્યો છતાં વહેલી સવારે સર્બિયન પોલીસ વિસ્તાર પર કબજો કર્યા બાદ બેલગ્રેડના બહારી વિસ્તારમાં આવેલી મસ્જિદનું સ્થાનિક અધિકારીઓએ ડિમોલીશન કર્યું હતું. મિનારા વગરની બે માળ ધરાવતી મસ્જિદના બાંધકામની સત્તાધીશોએ પરવાનગી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જો કે રમઝાન માસમાં જ મસ્જિદવિહોણા થયેલા આ વિસ્તારના મુસ્લિમોએ નાસીપાસ થયા વિના મસ્જિદની સામે જ ખુલ્લામાં નમાઝો અદા કરવાનું શરૂ કરી દીધું છે. બીજી તસવીરમાં દેખાઈ રહ્યું છે કે  સીરિયાના દમાસ્કસમાં રમઝાનના પવિત્ર માસ દરમ્યાન લોકો બજારમાં આવેલી દુકાનો પરથી પેસ્ટ્રીઝની ખરીદી કરી રહ્યા છે. સીરિયાના ભયંકર અશાંત વાતાવરણ વચ્ચે પણ ત્યાંના મુસ્લિમોના જુસ્સાને દાદ આપવી રહી.