(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૫
એરપોર્ટ પાસેની જમીનમાં રો હાઉસના પ્રોજેક્ટ માટે મહિલા પાસેથી ભાગીદારી પેટે રૂપિયા ૩.૨૧ કરોડ લઈ પ્રોજેક્ટ નહીં કરી રૂ. ૨.૮૬ કરોડની ઠગાઈ કરી હોવાની ફરિયાદ ઉમરા પોલીસ મથકે નોંધાવા પામી હતી.
ઉમરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ અમદાવાદના વતની અને હાલ સિટીલાઈટ રોડ શ્રીપાલ રેસિડેન્સીમાં રહેતા શોભાબેન આશિષ ભાઈ અગ્રવાલે આરોપી મેહુલ અજીતભાઈ પીરાવાલા શીતલબેન મેહુલભાઈ પીચવાલા, અજિત છોટુભાઈ પીઠાવાલા નયનાબેન અજીતભાઈ પીચવાલા (રહે. પીચવાલા હાઉસ ડુમસ તથા સિલ્વર બીચ, દાદર મુંબઈ) વિરદ્ધ ફરિયાદ આપી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ એરપોર્ટ પાસેની જમીનમાં રો હાઉસના બાંધકામ કરવા માટે આરોપી મેહુલભાઈ સહિતના સાથે ફરિયાદી અને તેણીના પતિએ ભાગીદારી કરી હતી જે પેટે રૂ. ૩.૨૧ કરોડની રકમ ફરિયાદીએ આપી હતી. જેમાંથી મેહુલભાઈએ રૂ. ૩૫ લાખ પરત આપ્યા હતા. બાકીના રૂપિયાની માંગણી કરતા ખોટા વાયદાઓ કરતાં હતા આરોપીઓએ કોઈ પ્રોજેક્ટ નહીં કરી પ્રોજેક્ટના નામે રૂપિયા પચાવી પાડી એરપોર્ટ ઓથોરિટી હસ્તક ગયેલા જમીન આપવાનું જણાવી ફરિયાદી પક્ષ સાથે રૂ. ૨.૮૬ કરોડની ઠગાઈ કરી હતી. ઉમરા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.