(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૧પ
સુરેન્દ્રનગર કોમી એકતાના રાહબર હાજી સૈયદ યુસુફમિયાં બાપુના નિવાસ સ્થાને આખાય રમઝાન માસ દરમ્યાન રાજકીયથી લઈ વેપારી મિત્રો, એડવોકેટથી લઈ સુરેન્દ્રનગર શહેરના ડૉકટરો સુધી હાજી સૈયદ યુસુફમિયાં બાપુને ત્યાં રોઝા ઈફતારી કરાવવા માટે આવતા હોય છે.
ત્યારે ર૭માં રોઝાના દિવસે વડવાળા મંદિર દૂધરેજના મહંત કનીરામ બાપુ દ્વારા સૈયદ હાજી યુસુફમિયાં બાપુને રોઝા ઈફતારી કરાવી હતી. જિલ્લા પંચાયતના અધ્યક્ષ ચેતનભાઈ ખાચરે હાજી ઈરફાનબાપુને રોઝા ઈફતારી કરાવી ત્યારે ગઈકાલે ર૯માં રોજા ઈફતાર પાર્ટીમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.રાજેશ તેમજ મૂળી તાબેના જવાહર ચોકમાં આવેલા સ્વામી નારાયણ મંદિરના કે.વી. સ્વામી તેમજ ક્ષત્રિય સમાજના શૈલેન્દ્રસિંહ ઝાલા, લોહાણા સમાજના પંકજભાઈ પૂજારા કંસારા સમાજના લલિતભાઈ કંસારા, સમાજ સેવક મોહનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. હાજી ઈરફાન બાપુ દ્વારા આવેલ સંત અને પદ અધિકારીને આવકારી અને ખુશી વ્યક્ત કરેલ હતી. આમ રમઝાન માસમાં બાપુને ત્યાં કોમી એકતાનો માહોલ છવાયો રહ્યો હતો.