(એજન્સી) પટના, તા. ૨૪
આરએસએસ સાથે પોતાના સંપૂર્ણ રાજકીય જીવનમાં અત્યારસુધી અંતર જાળવી રાખનારા બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને સંઘના કેટલાક ટોચના નેતાઓ વચ્ચે પટનામાં મુલાકાત થઇ છે. અહેવાલો અનુસાર આ મુલાકાત બીજે ક્યાંય નહીં પણ સીએમ આવાસમાં થઇ છે અને ઘણી લાંબી ચર્ચા થઇ હતી. અહેવાલો મુજબ સીએમ આવાસમાં સંઘના ઓલ ઇન્ડિયા સહ સંપર્ક પ્રમુખ રામલાલ અને ઓલ ઇન્ડિયા સહસંપર્ક પ્રમુખ રમેશ અપ્પા બે દિવસથી પટનાના પ્રવાસે હતા. નીતિશ કુમાર સાથે આરએસએસ નેતાઓની આ મુલાકાત એટલી ગુપ્ત હતી કે, દિલ્હીથી લઇને પટના સુધી રાજકીય છાવણીઓમાં તેની ગંધ સુધ્ધાં પણ ના આવી. એ વાતનો અંદાજ એનાથી જ લગાવી શકાય કે, આરએસએસ નેતાઓની નીતિશ કુમાર સાથે મુલાકાતના સમાચાર ભાજપના કોઇ નેતા અને જેડીયુના નેતાઓને પણ ના મળ્યા. એટલે સુધી કે, આ મુલાકાત બાદ પણ સીએમ આવાસ તથા સંઘ તરફથી તે અંગે કોઇ સત્તાવાર નિવેદનઆપવામાં આવ્યું ન હતું.
ઉલ્લેખનીય છે કે, પોતાની રાજકીય સફરના મોટાભાગના સમયમાં ભાજપની સાથે ગઠબંધનમાં રહેનારા બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના અધ્યક્ષ નીતિશકુમાર હંમેશાથી આરએસએસની વિચારધારા વિરૂદ્ધ રહ્યા છે. આવા સમયે તેમની આરએસએસના નેતાઓ સાથે ગુપ્ત મુલાકાતને લઇ અનેક સવાલો ઊભા થયા છે. કેટલાક મહિના પહેલા જ આરએસએસ સાથે જોડાયેલા સંગઠનોની જાણકારી મેળવવા માટે બિહાર પોલીસને એક આદેશને પગલે જેડીયુ-ભાજપ વચ્ચે તંગદિલી સર્જાયા બાદ નીતિશ કુમારે ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું. એટલું જ નહીં ઘણા લાંબા સમયથી ગિરિરાજસિંહ જેવા ભાજપના નેતાઓના નીતિશ કુમાર વિરૂદ્ધ નિવેદનો ગઠબંધનને હચમચાવી રહ્યા છે. આવા સમયે આ બધા વચ્ચે આ બેઠકને લઇ અનેક તર્કવિતર્ક સર્જાયા છે.