(એજન્સી) તા.૨પ
વિશ્વના ઘણા ભાગોમાં ધાર્મિક સ્થળો પર વધતા જતાં હુમલાના સંદર્ભમાં સંયુક્ત રાષ્ટ્રસંઘે ગુરુવારે સર્વાનુમતે એક ઠરાવ પસાર કરીને સભ્ય દેશોને તેમના ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તમામ સ્તરે સહિષ્ણુતા અને શાંતિની સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવા જણાવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે મહામંત્રીને આ વિષય પર વૈશ્વિક પરિષદ બોલાવવા પણ જણાવ્યું છે. આ ઠરાવ સઉદી અરેબિયા, યુએઇ, પાકિસ્તાન અને ઓઆઇસીના અન્ય સભ્યો દ્વારા રજૂ કરાયો હતો. આ ઠરાવમાં વિશ્વભરમાં ધાર્મિક સ્થાનોને નિશાન બનાવીને આચરવામાં આવતી હિંસા અને વિનાશના તમામ કૃત્યોને વખોડી કાઢવામાં આવ્યાં હતાં. ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે શાંતિ અને સહિષ્ણુતાની સંસ્કૃતિને પ્રોત્સાહિત કરતો મુસદ્દા ઠરાવ રજૂ કરતા સઉદી અરેબિયાના પ્રતિનિધિએ કહ્યું હતું કે આ ઠરાવ ધાર્મિક સ્થળો અને પ્રતિકો વિરુદ્ધના અપરાધો અને ઉપહાસને વખોડી કાઢે છે તેમજ કોઇ પણ દ્રષ્ટિકોણ વ્યક્ત કરવા માટે હિંસાના ઉપયોગને નકારે છે અને અંતિમવાદ અને અસહિષ્ણુતા સામે ઢાલ તરીકે શાંતિની સંસ્કૃતિ વિકસાવવાનો હેતુ છે. વંશીય અને ધાર્મિક અસહિષ્ણુતા વધી રહી છે એ બાબતે ચિંતા વ્યક્ત કરતાં સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાએ રાષ્ટ્રીય, વંશીય કે ધાર્મિક નફરતની હિમાયત કરવાની પ્રવૃત્તિને વખોડી કાઢે છે. રાજકીય વિશ્લેષકોનો મત છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘનો આ ઠરાવ સરકારો અને ઉદામવાદી જમણેરી પાંખના બળોની યોજનાના ચક્રમાં એક આધાર બની રહેશે. આ સંદર્ભમાં રાજકીય વિશ્લેષકોએ આરએસએસ સંલગ્ન બળો દ્વારા મથુરામાં શાહી ઇદગાહ અને વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદનો નાશ કરવાના પ્રયાસ તરફ તેમજ અયોધ્યામાં ૪૫૦ વર્ષ જૂની બાબરી મસ્જિદ પર મંદિર નિર્માણના પ્રયાસો તરફ અંગૂલિનિર્દેશ કર્યો છે. આમ સંયુક્ત રાષ્ટ્રસંઘે આ ઠરાવ પસાર કરતાં આરએસએસને ફટકો પડ્યો છે.