(એજન્સી) તા.૯
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો આર.એસ.એસ.ની કાળી ટોપી પહેરેલો જે બનાવટી ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો તે બનાવટી ફોટોની રચના એવા એક વ્યક્તિએ કરી હતી જેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટ્‌વીટર પર ફોલો કરે છે. એક ન્યુઝ એજન્સીએ પૂર્વ રાષ્ટ્રપતિનો બનાવટી ફોટો બનાવનાર વિશે તપાસ કરતાં ખબર પડી કે તે મીહિર ઝા નામની વ્યક્તિ છે જેણે ટ્‌વીટર એકાઉન્ટ પર આપેલી માહિતીમાં લખ્યું છે કે તેને ગર્વ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને ફોલો કરે છે. ઝાએ ટ્‌વીટર પર ફોટોશોપમાં નિષ્ણાંત તેના એક મિત્રને વિનંતી કરી હતી કે તે પ્રણવ મુખરજીના ફોટા પર સંઘની કાળી ટોપી લગાવી આપે. અને તેમના હાથને સંઘની પ્રતિજ્ઞા મુદ્રા મુજબ કરી આપે. ન્યુઝ એજન્સી સાથેની વાતચીતમાં ઝાએ સ્વીકાર્યું કે તેણે ફક્ત મનોરંજન ખાતર પ્રણવ મુખરજીના ફોટા સાથે છેડછાડ કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રણવ મુખરજીએ ગુરૂવારે આર.એસ.એસ.ના કાર્યક્રમમાં હાજરી આપી સ્વયંસેવકોને સંબોધિત કર્યા હતા. મુખરજીની પુત્રી શર્મિષ્ઠા મુખરજીએ આ બાબતે ટ્‌વીટ કર્યું હતું કે જુઓ આ આવું જ થયું જેનો મને ભય હતો અને જેના વિશે મેં મારા પિતાને ચેતવ્યાં હતાં. હજુ થોડા કલાકો પણ નહીં થયાં પરંતુ ભાજપ/આર.એસ.એસ.ની ગંદી ચાલોનો વિભાગ પૂરજોશમાં કાર્યરત છે.