(એજન્સી) નવી દિલ્હી, તા.૯
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની નાગપુર ખાતે સંઘ મુખ્યાલયની મુલાકાતની પ્રતિક્રિયાઓ છેલ્લા બે દિવસથી આવી રહી છે. કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ કહ્યું હતું કે, સંઘ દ્વારા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને સંઘની સ્ટાઈલથી સલામી આપતા રજૂ કરાયેલા મનઘડત ચિત્ર એ સંઘનો નાઝી પ્રોપગન્ડા છે. જોસેફ ગોબેલ્સે કહ્યું હતું કે તમે જો હજાર વખત એક જૂઠ ચલાવો તો તે સત્ય બની જાય છે. આ મુખરજીની છબિ ખરાબ કરવાનો પ્રયાસ છે. પૂર્વ રાષ્ટ્રપતિ મુખરજીના ફોટાને સંઘના ગણવેશમાં સલામી આપતો ચિતરવાનું કૃત્ય વાયરલ થયું હતું. અગાઉ પ્રણવ મુખરજીને તેમની પુત્રી શર્મીષ્ઠા મુખરજીએ ચેતવ્યા હતા કે સંઘ દ્વારા તેમની મુલાકાતની પાછળ ગંદી રાજરમત શરૂ થશે. સંઘ દ્વારા આવી હરકતની ટીકા કરાઈ હતી. આવું કૃત્ય કેટલાક રાજકીય ભાગલાવાદી તત્ત્વોનું છે. સહકાર્યવાહક મનમોહન વૈદ્ય કહ્યું છે કે, મુખરજી દ્વારા સંઘના કાર્યક્રમમાં હાજરીનો વિરોધ કરી રહેલા તત્ત્વો દ્વારા હતાશ થઈ આવા કાલ્પનિક ફોટા બનાવી વાયરલ કરાયા છે. જેને સખ્ત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ.