(એજન્સી) મુંબઈ, તા.૩૦
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલ સંગઠન મુસ્લિમ રાષ્ટ્રીય મંચ (એમઆરએમ) રમઝાન નિમિત્તે મુંબઈમાં ઈફતાર પાર્ટીનું આયોજન કરવા જઈ રહ્યું છે. ૪ જૂનના રોજ માલાબાર હિલમાં આવેલ સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં આયોજિત થનારી આ પાર્ટીમાં ઈસ્લામિક દેશોના રાજદૂતો ઉપરાંત મુસ્લિમ સમુદાયના પ્રતિષ્ઠિત લોકોને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આવું પ્રથમવાર બન્યું છે કે, આરએસએસ તરફથી મુંબઈમાં કોઈ ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એમઆરએમના રાષ્ટ્રીય સંયોજન વિરાગ પચપોરેના જણાવ્યા અનુસાર ૩૦ દેશોના રાજદૂતો ઉપરાંત મુસ્લિમ સમુદાય સાથે સંકળાયેલા ર૦૦ પ્રતિષ્ઠિત લોકોને આ ઈફતાર પાર્ટીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય સમુદાયો સાથે જોડાયેલા ૧૦૦ મહેમાનો પણ આ આયોજનમાં સામેલ થાય તેવી આશા છે. મુસ્લિમ સમુદાય સુધી પોતાની પહોંચ વધારવા માટે ર૦૧પમાં આરએસએસ તરફથી આવા આયોજનોની શરૂઆત થઈ હતી. પીએમ આવાસમાં આવી પાર્ટીઓ આયોજિત ના કરવાના પીએમ મોદીના નિર્ણય બાદ આ પગલું ભરવામાં આવ્યું હતું.