(એજન્સી) તિરૂવનંતપુરમ, તા.૭
કેરળમાં રાજકીય હત્યાઓના અનુસંધાને અરૂણ જેટલીને ખુલ્લો પત્ર સીપીઆઈએમના સાંસદે લખ્યો છે. હાલ કેરળમાં સંઘ અને સીપીઆઈ(એમ)ના કાર્યકર્તાઓની વધી રહેલ હત્યાઓ સંદર્ભે અરૂણ જેટલી કેરળની મુલાકાતે ગયેલ છે. આ મુલાકાત વેળાએ સાંસદે જેટલીનું ધ્યાન અમુક બાબતો સામે દોર્યું છે. એમણે જેટલીને લખ્યું છે કે તમે બે ખાતાઓના પ્રધાન છો. આટલી મોટી જવાબદારીઓ છતાંય તમે કેરળ માટે સમય કાઢયો છે એ બદલ આભાર. તમે એ દિવસે મુલાકાત લેવા આવ્યા છો જ્યારે અમારા મુખ્યમંત્રીએ પણ રાજ્યમાં રાજકીય હત્યાઓનો અંત થાય અને શાંતિની સ્થાપના થાય એ માટે બધા પક્ષો સાથે મીટિંગ ગોઠવી છે. રાજ્યની રાજધાનીમાં કોઈપણ ઉશ્કેરણી વિના સીપીઆઈના ૧ર૦ કાર્યકર્તાઓને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી છે. ૩૬ ઘરોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. મને વિશ્વાસ છે કે, તમે રેમ્યા નામની મહિલાનો પત્ર મળ્યો હશે જેનો પતિ ઓટો રિક્ષા ચલાવે છે અને એમની ઉપર હુમલો થયો છે. એ ગંભીર પરિસ્થિતિમાં હોસ્પિટલમાં છે. ર૦૦૦થી ર૦૧૭ સુધીના આંકડાઓ મુજબ ૮૬ સીપીઆઈએમના કાર્યકરો અને ૬પ સંઘ પરિવારના કાર્યકરોના મોત થયા છે અને તોય તમે કહો છો કે સંઘ પરિવારના વધુ કાર્યકરોની હત્યાઓ થઈ છે. જેટલી બધી શાખાઓ સંઘની કેરળમાં યોજાય છે એટલી શાખાઓ તમારા ખાસ રાજ્યો ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં પણ યોજાતી નથી. રાજ્યોના ગુનાઓ સંદર્ભે સરખામણી કરવામાં આવે તો તમને ધ્યાનમાં આવશે કે કેરળમાં સૌથી ઓછા ગુનાઓ બને છે. અમારું રાજ્ય ૧૦૦ ટકા શિક્ષણ ધરાવતું રાજ્ય છે જેમાં ગુનાઓનો દર ખૂબ જ ઓછો છે અને એને પણ ડામવા પૂરતા પગલાં કેરળ સરકાર લઈ રહી છે. આ બધા આંકડાઓ રજૂ કરવામાં મારો ઉદ્દેશ્ય આક્ષેપો-પ્રતિઆક્ષેપોના રાજકારણમાં નથી પડવું પણ ફકત તમારું ધ્યાન આ બાબતે દોરવા માંગું છું કે તમે ખોટા પ્રચારો કરી રહ્યા છો કે, કેરળમાં સીપીઆઈએમ દ્વારા જ હિંસાઓ આચરાઈ રહી છે. તમે સીપીઆઈએમના ઘવાયેલ કાર્યકર્તાઓની મુલાકાત લેશો નહીં. એની મને ખાત્રી છે પણ તમે સંઘના બે યુવાઓના પરિવારોને અચૂક મળશો જેની હત્યા સંઘના જ કાર્યકારોએ કરી હતી અને તમે એની પણ તપાસ કરશો કે ભાજપની યાદીમાં આ બે કાર્યકરોના નામો કેમ નથી મૂકાયા. કેમ એમની સામે શિસ્તભંગના પગલાં નથી લેવાયા. તમે કેરળમાં રાજકીય હત્યાઓના આક્ષેપો મૂકી રાષ્ટ્રપતિ શાસન લાદવાની તૈયારી કરી રહ્યા છો. પણ આ માટે તમે કેરળના આર્થિક-સામાજિક વિકાસના પાસાને પણ ધ્યાનમાં લેશો. રાજ્યને ઉતારી પાડવાના પ્રયાસો વડાપ્રધાન મોદીએ પણ ચૂંટણી પ્રચારમાં કર્યા હતા. એમણે કેરળને સોમાલિયા સાથે સરખાવ્યું હતું. બીજી એક ચેનલે કેરળને પાકિસ્તાન સાથે સરખાવી દીધું. રાજકીય લાભો મેળવવા આ પ્રકારના પ્રયાસો શરમજનક છે જેને રોકવું જોઈએ. અમારા રાજ્યનું મૂલ્યાંકન કરવા માટે સંઘના માપદંડો ખોટા છે. તમને મૂલ્યાંકન માટે સરળતા રહે એ માટે એનસીઆરબી અને એનએફએચએસના ડેટાઓ તમને મોકલું છું.