(એજન્સી) તા.૫
નાગપુર જઇને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઇવેન્ટને ઉદ્‌બોધન કરવાના ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ આ નિર્ણય કરીને ખાસ કરીને રાજકીય રીતે ખળભળાટ મચાવી દીધો છે. પ્રણવ મુખરજી શા માટે અને ક્યા કારણસર RSSના ઇવેન્ટમાં ભાગ લેવા તૈયાર થયા તે અંગે અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે. મુખરજીની મુલાકાત રદ કરાવવાના કોંગ્રેસ નેતાઓના પ્રયાસો ફગાવી દેતા મુખરજીએ જણાવ્યું હતું કે મારે જે કંઇ કહેવું છે તે હું નાગપુરમાં કહીશ. મને કેટલાય પત્રો, વિનંતીઓ અને ફોન કોલ્સ આવ્યા છે. પરંતુ મેં હજુ સુધી તેનો જવાબ આપ્યો નથી. RSS કેડરને ઉદ્‌બોધન કરવાનો નિર્ણય જેટલો મહત્વનો છે એટલો હવે તેઓ શું કહેશે તે વાત મહત્વની નથી. શા માટે ?
રાજકીય લોબીઓમાંથી તેનો જવાબ એ છે કે જો પોતાને તક મળે તો વડાપ્રધાનના પદ માટે સર્વસંમત ઉમેદવાર તરીકે મુખરજીએ પોતાનો ઇરાદો આ રીતે વ્યક્ત કર્યો છે. મુખરજીની નિકટના સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ આગામી વર્ષે ચૂંટણી વખતે અનુકૂળ ગઠબંધન ઊભું થાય તો સર્વ સંમત ઉમેદવાર તરીકે સંભવિત સમર્થન માટે RSSને કૂણા પાડવા માગે છે.
જો કે કેટલાક દ્વારા આ અટકળને આ તબક્કે ઘણી દુરોગામી લાગતી હશે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે પૂર્વ રાષ્ટ્રપતિ RSS સાથે સારા સંબંધો રાખવા માગે છે અને RSSનું આમંત્રણ સ્વીકારવાનો નિર્ણય પ્રથમ દ્રષ્ટીએ લાગે છે એટલો સરળ નથી. વાસ્તવમાં આમંત્રણના મૂળ ભારતના રાષ્ટ્રપતિ તરીકે RSSના વડા ભાગવતને આમંત્રણમાં રહેલા છે કે જેમાં રાષ્ટ્રપતિ ભવને મુલાકાતને ગઇ સાલ જૂનમાં સૌજન્ય ભોજન મુલાકાત ગણાવી હતી અને એવો આગ્રહ રાખ્યો હતો કે તેને રાજકીય રીતે મૂલવવી જોઇએ નહીં. મહત્વની વાત એ છે કે ભાગવત દ્વારા રાષ્ટ્રપતિ ભવનની આ બીજી જાહેર મુલાકાત હતી. પ્રથમ મુલાકાત તેમણેે ૨૦૧૫માં લીધી હતી કે જ્યારે તેઓ મુખરજીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવવા રાષ્ટ્રપતિ ભવન ગયા હતા. રસપ્રદ વાત એ છે કે મોહન ભાગવત સાથે મુખરજીના સંબંધો રાષ્ટ્રપતિ તરીકે પોતાના કાર્યકાળ દરમિયાન સતત અને સુદ્રઢ રહ્યા હતા. નિવૃત્તિ બાદ મુખરજીએ પ્રણવ મુખરજી ફાઉન્ડેશનની રચના કરી હતી જેમાં ચુનંદા આમંત્રિતોમાં ભાગવતનો પણ સમાવેશ થતો હતો.