(એજન્સી) નવી દિલ્હી, તા.૮
સમાજવાદી પાર્ટી (સપા)ના પ્રમુખ અખિલેશ યાદવના ભારતીય જનતા પાર્ટી (બીજેપી) નફરત ફેલાવે છે એવા નિવેદનની પ્રતિક્રિયામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના નેતા ઈન્દ્રેશકુમારે વિપક્ષી નેતાને પાગલ કહી તેમને પાગલખાનામાં મોકલી દેવાની આવશ્યકતા હોવાનું જણાવ્યું હતું. મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સંરક્ષકે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોના નેતાઓના આત્મા અને મગજ નફરત અને ઝેરથી ભરેલા હોવાથી હંમેશા ભાજપ અને આરએસએસ પરિવારને નફરતની દૃષ્ટિથી જોતા હોવાનો આરોપ મૂક્યો છે. ઈન્દ્રેશે કહ્યું કે, વિપક્ષી નેતાઓને માનસિક તકલીફ હોવાનું જણાઈ રહ્યું છે. એમને ચિકિત્સા કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે, અખિલેશ યાદવે રવિવારે ભાજપ પર અંગ્રેજોની તુલનાએ દેશ અને સમાજને વિભાજિત કરવામાં મોટી ભૂમિકા ભજવી હોવાનો આરોપ મૂક્યો હતો અને આ ચૂંટણીઓમાં નફરતની દીવાલ ઊભી કરવાનો પણ યાદવે આક્ષેપ કર્યો હતો.