(એજન્સી) ચંદીગઢ, તા. ૨૭
લોકસભામાં રામ મંદિરનો મુદ્દો ચર્ચાની ચકડોળે છે જ્યારે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દાની સુનાવણી ટાળ્યા બાદથી જ હિંદુ સંગઠનોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતથી લઇ અન્ય નેતાઓએ આ મામલે સુનાવણી વહેલી કરાવવાની તરફેણ કરી છે. મંગળવારે આરએસએસના સભ્ય ઇન્દ્રેશ કુમારે સુપ્રીમ કોર્ટનું અપમાન કરતું વિવાદિત નિવેદન આપ્યું છે. પંજાબના ચંદીગઢમાં ચાલી રહેલા એક કાર્યક્રમમાં ઇન્દ્રેશ કુમારે કહ્યું હતું કે, ‘‘ભારતનું બંધારણ જજોના બાપ-દાદાની જાગીર નથી, શું તેઓ કાયદાથી પણ ઉપર છે.’’ તેઓ ચંદીગઢ યુનિવર્સિટીમાં જન્મભૂમિ સાથે અન્યાય નામના કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. તેમણે કહ્યું કે, રામના જન્મનું સ્થાન બદલવાની પરવાનગી કેમ આપવામાં આવી. જ્યારે વેટિકન, કાબા અને સુવર્ણ મંદિર બદલી શકાય નહીં તો રામ જન્મભૂમિ કેમ બદલવામાં આવે. તેમણે ઉમેર્યું કે, મસ્જિદ બનાવવા માટે શરતો છે, બાબરને કોઇએ દાનમાં જમીન આપી ન હતી. બાબરે કોઇની પાસેથી જમીન ખરીદી ન હતી. જ્યાં રામ મંદિર તોડીને મસ્જિદ બનાવી ત્યાં કોઇ મસ્જિદ હતી જ નહી અને જો તોડીને મસ્જિદ બનાવી તો તે પણ ગુનો છે અને ત્યાં કરાયેલી ઇબાદત સ્વીકાર નહીં થાય પણ બાબરે કોઇ ઇસ્લામનો નિયમ પાળ્યો નથી. તેમણે ઉમેર્યું કે, બાબરે ઇસ્લામ અને કુર્આનનું અપમાન કર્યું, શું મુસ્લિમો એવા બાબરની ઇબાદત કરવા માગશે. ઇસ્લામ અનુસાર મસ્જિદ કોઇ વ્યક્તિ કે શહેનશાહના નામે ન હોઇ શકે પણ બાબરે મુસ્લિમો પાસેથી અલ્લાહનું નામ છીનવી લીધું અને પોતાનું નામ મસ્જિદને આપી દીધું. ઇન્દ્રેશે કહ્યું કે, જે વિદેશી આક્રમણકારી આવ્યા તેમની સાથે અમારો શું સંબંધ ? તેઓ અમને ગુલામ બનાવવા આવ્યા હતા. મુસ્લિમ શાસકોએ દેશના કુશળ કારીગરોના હાથ કાપી નાખ્યા અને કોઇ ઉદ્યોગ માટે કાંઇ નથી કર્યું. શહેનશાહ તાજમહેલ સાથે કોર્ટ અથવા ઉદ્યોગ પણ સ્થાપી શક્યા હોત. બાબર પણ આપણા પર રાજ કરવા આવ્યા હતા. ફૈઝાબાદને અયોધ્યા બનાવવાથી રોજગાર મળ્યો નથી પણ શું અયોધ્યાને ફૈઝાબાદ કરવાથી રોજગાર મળ્યો ખરો. ઉલ્લેખનીય છે કે, બાબરી શહીદી વિવાદ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે અને સુપ્રીમ કોર્ટે તેની સુનાવણીને ઓક્ટોબર માસમાં જાન્યુઆરી ૨૦૧૯ સુધી ટાળી દીધી છે.

અમે સુપ્રીમ કોર્ટના આદેશનું સન્માન કરીશું : મહંત નરેન્દ્ર ગિરિ

અયોધ્યામાં બાબરી મસ્જિદના સ્થાને રામ મંદિર બાંધવા માટે સરકાર પર ભગવા સંગઠનોના દબાણના પ્રયાસ વચ્ચે અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિએ કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશનું સન્માન કરાશે. તેમણે કહ્યું કે, કાંતો સુપ્રીમ કોર્ટના આદેશનું સન્માન જાળવવું જોઇએ અથવા મુદ્દાને ચર્ચા દ્વારા ઉકેલવો જોઇએ. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે, જો સરકાર આ અંગે કાયદો કે વટહુકમ બહાર પાડવા માગતી હોય તો તે કરી શકે છે. તેમણે વીએચપી અને શિવસેનાના કાર્યક્રમોની આકરી ટીકા કરતા કહ્યું કે, તેમના કાર્યક્રમોથી કોઇ ફેર પડતો નથી કારણ કે મુદ્દો જ્યાં હતો ત્યાં જ છે. વીએચપી પર આકરા પ્રહાર કરતા ગિરિએ કહ્યું કે, વીએચપીએ રાજકીય લાભ લેવા માટે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમણે દાવો કર્યો કે, ભાજપ અને વીએચપીમાં કોઇ ફેર નથી પણ તેઓએ આ અંગે વિગતવાર બોલવાનું ટાળ્યું હતું. બાબરી મસ્જિદનો વિવાદ પરસ્પર સંમતિથી ઉકેલી શકાય છે. તેમણે કહ્યું કે, તેઓ ઇકબાલ અન્સારી અને સુન્ની વકફ બોર્ડ સાથે વાત કરશે. ઉલ્લેખનીય છે કે, મહંત ગિરિએ ઉદ્ધવ ઠાકરેના આશિર્વાદ કાર્યક્રમ અને વીએચપીની ધર્મસભાથી પોતાને દૂર રાખ્યા હતા.