તા.ર૮
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ (આરટીઇ) હેઠળ ત્રીજા રાઉન્ડની શરૂઆત કરીને બાકી રહેલા ૩૫ હજાર બાળકોને પ્રવેશ આપવાની દાદ માંગતી જાહેર હીતની અરજીની પ્રાથમિક સુનાવણી બાદ ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર તથા અન્ય સંબંધીત પક્ષકારોને નોટીસ કાઢીને વધુ સુનાવણી બે સપ્તાહ બાદ રાખી છે.
આરટીઇ એક્ટવીસ્ટ સંદીપ મુંજ્યાસરા દ્વારા કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે, ચાલુ શૈક્ષણિક વર્ષમાં રાજ્ય સરકારે પ્રથમ રાઉન્ડમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દીધા બાદ છેક અઢી મહિના પછી બીજો રાઉન્ડ કર્યો હતો. ૨૦૦થી વધુ લઘુમતી શાળાઓ દ્વારા તેમને આરટીઇ હેઠળ પ્રવેશ આપવાની જોગવાઇમાંથી બાકાત રાખવાની દાદ માગવામાં આવી હતી. આ કેસ બે મહિના જેટલો ચાલી જતા બીજો રાઉન્ડ અઢી મહિનાના ભારે વિલંબ બાદ શરૂ થયો હતો. જેમાં માંડ ૪ હજાર જેટલા જ બાળકોને જ પ્રવેશ આપવામાં આવ્યો છે. આથી બીજા રાઉન્ડ બાદ પણ અંદાજે ૩૫૩૪૯ જેટલી બેઠકો હજુ ખાલી રહી છે. આથી આ ખાલી રહેલી બેઠકો પર તાત્કાલિક પ્રક્રિયા હાથ ધરીને બાળકોને પ્રવેશ ફાળવવો જોઇએ.
અરજદાર દ્વારા વધુમાં દાદ માગવામાં આવી હતી કે, અગાઉ જે વિદ્યાર્થીઓને પ્રવેશ લઇ લીધો હોય અને તેમને જો શાળાની પસંદગી બદલવાની ઇચ્છા હોય તેના માટે પણ વિકલ્પ આપવામાં આવવો જોઇએ. આરટીઇ હેઠળ અરજીઓ કરનાર પૈકી અત્યારે હાલ પણ ૪૦૮૯૦ બાળકો પ્રવેશ માટે પ્રતિક્ષા યાદીમાં છે. શાળાઓ શરૂ થયાને પાંચ મહિના થવા આવ્યા છે ત્યારે આ ઝડપથી પ્રવેશ મળે તેવી વ્યવસ્થા સરકારે કરવી જોઇએ તેવી પણ દાદ માગવામાં આવી છે. ઉપરોક્ત તમામ રજૂઆતોને ધ્યાનમાં લઇને હાઇકોર્ટે સંબંધીત પક્ષકારોને નોટીસ કાઢી હતી.