અમદાવાદ,તા. ૨૬
અમદાવાદ સહિત રાજ્યભરમાં આરટીઇ હેઠળ ગરીબ બાળકોને પ્રવેશ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને તે અંતર્ગત અમદાવાદ શહેરમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરવામાં આવ્યો છે, જેમાં પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ માટે નામ હોય તે વિદ્યાર્થીઓ-વાલીઓએ આજના દિવસે જે તે શાળામાં જઈને પ્રવેશ મેળવી લેવાનો હતો, પરંતુ હવે સત્તાવાળાઓ દ્વારા પ્રવેશ માટેની તારીખ લંબાવીને તા. ૩૦ મે કરવામાં આવી છે ત્યારબાદ કોઈપણ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવશે નહી એવી સ્પષ્ટ તાકીદ પણ શિક્ષણ સત્તાવાળાઓએ કરી છે. ત્યારબાદ તા.૨ જૂનથી બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ પ્રકિયા ચાલી રહી છે. પ્રથમ રાઉન્ડમાં જે તે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશની મુદત તા.ર૬મી મે સુધીની હતી, પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી આ મામલે રાજયના પ્રાથમિક શિક્ષણ નિયામકને રજૂઆત કરાતાં હવે આ તારીખ લંબાવવામાં આવી છે, જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવાયો છે તે વિદ્યાર્થીઓએ તા.૩૦ મે સુધીમાં જે તે શાળામાં જરૂરી આધાર દસ્તાવેજો સાથે રૂબરૂમાં પ્રવેશ મેળવી લેવા તાકીદ કરાઇ છે. જે વિદ્યાર્થી આ તારીખ સુધીમાં પ્રવેશ મેળવીનહીં લે તેઓ તે શાળામાં પ્રવેશ મેળવા માગતા નથી તેમ માની લેવામાં આવશે તેમજ બીજા રાઉન્ડમાં અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવામાં આવશે. હાલમાં આરટીઇ હેઠળ ધોરણ-૧માં પ્રવેશ ફાળવ્યા બાદ શાળાઓએ પોતાની મનમાની શરૂ કરી દીધી છે. શહેરની અનેક શાળાઓ કે જેમાં આરટીઇ અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવ્યો હોય તેવી શાળાઓએ પ્રવેશ આપવાનો સાફ ઇન્કાર કરી દીધો છે. ગઈ કાલે અમૃતજ્યોતિ શાળાના સંચાલકોએ ૧ર વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે તેમ જણાવતાં વાલીઓ રોષે ભરાયા હતા. પૂર્વ વિસ્તારની શાળાઓ વિદ્યાર્થીઓ પાસે વધુ ફી માગી રહી હોવાની પણ ફરિયાદ મળી છે. ગરીબ અને મધ્યમવર્ગનાં બાળકોને રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ આપવાનો છે. એક જ પ્રક્રિયામાં જેટલી બેઠકો છે તે તમામ પર પ્રવેશ આપી દેવાના બદલે બે તબક્કામાં પ્રવેશ આપવા સામે પણ વાલીઓમાં નારાજગી ઊભી થઇ છે. જેમનાં ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યાં છે તેમને પણ વધુ એક તક આપવી જોઇએ તેવી માગણી વાલીઓ કરી રહ્યા છે. આ ઉપરાંત શહેરની નામાંકિત ગણાતી સ્કૂલોમાં કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો તેની વિગતો પણ જાહેર કરવામાં આવી નથી. ખરેખર કઇ સ્કૂલમાં કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો તેની સંપૂર્ણ વિગતો જાહેર કરવી જોઇએ, જે હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
આમ, રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ચાલુ વર્ષે થયેલી કાર્યવાહી પારદર્શક ન હોવાની ફરિયાદો પણ વાલીઓ દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી પણ શકયતાઓ પ્રવર્તી રહી છે.